પીએમએ ૧૫ લાખ આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ કેટલાને ૧૫ લાખ રૂપિયા મળ્યા?ઃ ટિકૈતનો સવાલ
નવી દિલ્હી,તા.૧૯
પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેને આગામી સંસદીય સત્રમાં પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કૃષિ કાયદાને લઈને કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂતો છેલ્લા એકથી વધુ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમજ વિપક્ષમાં કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી સરકારને નિશાન બનાવી રહ્યો છે. ત્યારે હવે જ્યારે સરકારે આ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે તો સરકારના આ નિર્ણય બાબતે કોણે શું કહ્યું આવો જોઈએ. આ અંગે ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકેતે કહ્યું કે, આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે ’મને મોદી પર વિશ્વાસ નથી. ટિકૈતે કહ્યું કે પીએમએ ૧૫ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધીમાં કેટલાને ૧૫ લાખ રૂપિયા મળ્યા? સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપતાં ટિ્વટ કરવામાં આવ્યું કે મારા દેશના ખેડૂતો જીત્યા છે અને અભિમાન તૂટી ગયું છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ ટ્વીટ કરીને આંદોલનકારી ખેડૂતોને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે અન્યાય સામે આ ન્યાયની જીત છે. તેમણે લખ્યું કે દેશના અન્નદાતાઓના સત્યાગ્રહે અભિમાનનું મસ્તક ઝુકાવી દીધું છે.
સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ૪૦ ખેડૂત યુનિયનોની એક છત્ર સંસ્થા છે જેણે શુક્રવારે પીએમ મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતને આવકારતા કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવવાની જાહેરાતની રાહ જોશે. જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ નિર્ણયને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુ નાનક જયંતીના દિવસે સરકારનો આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિધુએ લખ્યું કે કાળા કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્ર સરકારનું સાચી દિશામાં પગલું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે જે આંદોલનથી નથી મેળવી શકાતું તે ચૂંટણીના ભયના કારણે મેળવી શકાય છે. તેમણે આ રીતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ટિ્વટ કરતા કહ્યું કે ભાજપની ક્રૂરતા સામે આખરે આંદલનની જીત થઈ છે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે જેઓ કૃષિ કાયદા સામે સતત વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોની જીત છે, જેઓ ઘણા દિવસોથી ખેતીના કાયદા સામે વિરોધ કરી રહ્યા છે; ૭૦૦ થી વધુ મૃત્યુ પામ્યા. એવું લાગે છે કે કેન્દ્ર દોષિત છે… પરંતુ ખેડૂતોને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેની જવાબદારી કોણ લેશે? અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશું, ખડગેએ કહ્યું. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફાર્મ પેનલના સભ્ય અનિલ ઘનવતે શુક્રવારે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પ્રતિગામી ગણાવ્યો હતો. ઘનવતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીનું આ સૌથી પ્રતિકૂળ પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ભલાની જગ્યાએ રાજકારણ પસંદ કર્યું.” શિરોમણી અકાલી દળ (એસએડી)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલે ગુરુવારે કહ્યું કે આ ખેડૂતોની જીત છે અને ઇતિહાસની નિર્ણાયક ક્ષણ છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકારનો નિર્ણય પેટાચૂંટણીના આંચકાનું પરિણામ છે. કોઈ હૃદય પરિવર્તન નથી.