છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં સળંગ ૪૩માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે
નવી દિલ્હી, તા.૨૦
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૪૩માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૪૬માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૩૦૨ નવા કેસ નોંધાયા છે અને ૨૬૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૧,૭૮૭ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૩૧ દિવસના નીચલા સ્તર ૧,૨૪,૮૬૮ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૭૫૪ કેસ નોંધાયા છે અને ૪૯ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૧૫,૭૯,૬૯,૨૭૪ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૫૧,૫૯,૯૩૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં બે દિવસ કોરોના કેસોમાં વધારો થયા બાદ ગત રોજ દેવદિવાળીના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬ કેસો નોંધાયા છે. જોકે, અમદાવાદ શહેરમાં હજી પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવા ૧૦ કેસ નોંધાાય છે. જ્યારે રિકવરી રીટ ૯૮.૭૪ ટકા રહ્યો છે.