પોતાની પાસે રાખ્યા મહત્વના ખાતા : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નાણા અને ગૃહ વિભાગ પહેલાની જેમ પોતાની પાસે રાખ્યા
જયપુર, તા.૨૨
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી છે. તેમણે નાણા અને ગૃહ વિભાગ પહેલાની જેમ પોતાની પાસે રાખ્યા છે. નગર વિકાસ મંત્રી શાંતિ ધારીવાલ અને કૃષિ મંત્રી લાલ ચંદ કટારિયાના વિભાગ પહેલાની જેમ યથાવત છે. ઉર્જા અને પાણી પુરવઠા મંત્રી બીડી કલ્લા હવે શિક્ષણ મંત્રીની જવાબદારી સંભાળશે. સચિન પાયલટ જૂથના વિશ્વેન્દ્ર સિંહને પહેલાની જેમ પર્યટન વિભાગ આપવામાં આવ્યો છે. ઉદ્યોગ મંત્રી રહેલા પરસાદી લાલ મીણા હવે ચિકિત્સા મંત્રી હશે. પ્રતાપ સિંહ પાસેથી પરિવહન વિભાગ લઈને ઉદ્યોગ વિભાગ આપવામાં આવ્યો છે. સચિન પાયલટ જૂથના રમેશ મીણાને પંચાયત રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. હેમા રામને વન વિભાગ, મહેશ જોશીને જળ વિભાગ આપવામાં આવ્યો છે. પ્રમોદ જૈનને ખાણ, ગોવિંદ રામ મેધવાલ આપદા રાહત મંત્રી હશે. બૃજેન્દ્ર ઓલાને પરિવહન વિભાગનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. મમતા ભૂપેશ પહેલાની જેમ મહિલા તથા બાળ કલ્યાણ વિભાગના મંત્રી રહેશે પરંતુ હવે તે કેબિનેટ મંત્રી થઈ ગયા છે. અશોક ચાંદના પહેલાની જેમ ખેલ મંત્રી રહેશે. મહેન્દ્ર જીત માલવીયને જળ સંસાધન અને રામલાલ જાટને મહેસૂલ વિભાગ આપવામાં આવ્યો છે. આ પહેલા રવિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ હતુ કે મંત્રીપરિષદના નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે. રાજસ્થાનમાં ગેહલોતની આગેવાની હેઠળના મંત્રીમંડળમાં બહુપ્રતીક્ષિત ફેરબદલ રવિવારે પૂર્ણ થયો. શાસક પક્ષ કોંગ્રેસના ૧૫ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. રાજભવનમાં, રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ૧૧ ધારાસભ્યોને કેબિનેટ મંત્રીઓ અને ચાર ધારાસભ્યોને રાજ્ય મંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.