કુંભારવાડા-અવેડા પાસે આવેલો પુલ સાંકડો હોવાના લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

109

રોડ પહોળો કરાયાના ત્રણ વર્ષ વીતી જવા છતાં પુલ જેમનો તેમ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારથી નારી રોડ તરફ જતા અમદાવાદ બાયપાસ હાઈવે પર આવેલો પુલ સાંકડો અને રેલિંગ વગરનો હોવાને લઈને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. કુંભારવાડાથી નારી સુધીના રોડને ફોર લેન કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અવેડા પાસે આવેલો પુલ જેમનો તેમ મૂકી દેવાયો હતો. જેને લઇને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થતો અને નારી જઈને અમદાવાદ શોર્ટ હાઇવેને મળતો મુખ્ય માર્ગ મહાનગરપાલિકા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સંયુક્ત રીતે પહોળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રોડ ભાવનગર-અમદાવાદ બાયપાસ રોડ તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે. અનેક નાના-મોટા વાહનો દિવસો દરમિયાન કુંભારવાડા નારી રોડ ખાતેથી પસાર થાય છે. જે સમયે અમદાવાદ શોર્ટ હાઈવે રોડ કોઈપણ પ્રકારે બંધ હોય છે, ત્યારે વાહનચાલકો બીજા વિકલ્પ તરીકે નારી રોડનો ઉપયોગ કરે છે. આ રોડ અને તંત્ર દ્વારા મિડલ ડિવાઈડર સાથે આરસીસી રોડ બનાવી તેને પહોળો કરવામાં આવ્યો છે. પરંતુ કુંભારવાડા સર્કલથી નારી તરફ જવાના રસ્તા પર અવેડા પાસે આવેલો પુલ કોઈપણ પ્રકારે તંત્રની નજરે ચડ્યો નથી. રોડ પહોળો કરવા છતાં આ પુલને જેમનો તેમ મૂકી દેવામાં આવ્યો હતો. રોડ પહોળો કર્યા બાદ ત્રણ વર્ષ વીતી જવા છતાં અવેડા પાસે આવેલા પુલને પહોળો કરવાની કે પછી રેલિંગ નાખવાની જરૂરિયાત તંત્રને લાગી નથી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુ ધામેલીયા એ જણાવ્યું હતું કે, કુંભારવાડા નારી રોડ પાસે આરસીસી 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ પુલ પર રેલિંગ નાખવામાં આવશે. રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં જ આવેલો આ પુલ અત્યંત બિસ્માર બન્યો છે. પુલ સાંકડો હોવાને લઈને વાહનચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. સાથે જ પુલને બંને સાઈડ રેલિંગ નહી હોવાની સાથે સ્ટ્રીટ લાઈટ પણ નાખવામાં આવી નથી. જેને લઇને અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. ત્યારે હવે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા કુંભારવાડા-અવેડા પાસે આવેલો પુલ પહોળો કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ઊઠી હતી.

Previous articleભાવનગર શહેરની અલકા ટોકિઝ વિસ્તારમાં જાહેર સાફ-સફાઈ ના થતા લોકો ત્રાહિમામ
Next articleબે મહિનામાં ૫૦૦થી વધુ રખડતા ઢોર પકડ્યા છતાં પરિસ્થિતી જેસે થે