બે વર્ષ પૂર્વે પાલિતાણા તાલુકાના લુવારવાવ ગામના એક શખ્સ સગીરા પર બળાત્કાર ગુજાર્યાની પાલિતાણા પોલીસ મથકમાં જે તે સમયે ભોગ બનનાર સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે.જજ અને પાંચમાં એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા આરોપી સામેનો ગુન્હો સાબીતી માની જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ રૂા.૧૩ હજારનો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રામજી વિનુભાઈ કવાડ કોળી (ઉ.વ.૨૦ રે. લુવારવાવ, તા.પાલિતાણા)નામના શખ્સે ૧૬ વર્ષિય સગીર ઉપર ગત તા.૫-૪-૧૬ના રોજ બપોરના સુમારે જબરજસ્તી ખેચી એક મકાનમાં લઈ જઈ ગેરકાયદેસર અટકાયતમાં રાખી, છરી બતાવી, તેણીની સંમતિ વિના બળજબરીથી શરીર સંભોગ કરી, આ બનાવની કોઈને વાત કરીશતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાએ જે તે સમયે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે રામજી વિનુ કવાડ સામે ઈપીકો કલમ ૩૭૬, ૩૪૨, ૫૦૬ (૨), તથા પોકસો એક્ટ ૨૦૧૨ની કલમ ૪, ૮, ૧૨ મુજબનો ગુનો નોંધ્યો હતો.
આજરોજ આ અંગેનો કેસ ભાવનગરના સ્પે.જજ અને પાંચમા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકિલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકિલ બી.જે.ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઈ આરોપી સામેનો ગુન્હો સાબીત માની આરોપી રામજી વિનુ કવાડને તકસીરવાન ઠરાવી ઈપીકો કલમ ૩૭૬(૨) (આઈ)મુજબના ગુના સબબ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજારનો રોકડ દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા, આઈપીસી કલમ ૫૦૬ (૨) મુજબના ગુના સબબ આરોપીને બે વર્ષની સજા અને રોકડા રૂા.બે હજારનો દંડ દંડન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા દંડની રકમભરે તે પૈકીની રૂા.૧૦ હજારની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.