લગ્ન જીવન અને સમજણ

129

લગ્ન જીવનની હમણાં એક લાઈવ ડિબેટ જોતો હતો તેમાં ગુજરાતનાં જાણીતા વક્તા અને લેખક વચ્ચે મસ્ત ચર્ચા ચાલતી હતી કે લગ્ન કરવા જોઈએ કે નહિ ? સવાલ પણ હચમચાવી નાખે તેવો છે જ અને હા, કરવા પાછળના કારણો છે તો નથી કરવા તેની માટેના કારણો પણ જોરદાર છે. એકમેકના બનીને રહેવું સંબંધ નથી,બંને બાજુ સરખા રહેવું એનું નામ સંબંધ છે. હું તને ચાહું છું એ કહેવામાં ૧ મિનિટ પણ નથી થતી પણ તેને સાબિત કરવામાં આખી જિંદગી ટૂંકી પડી જાય છે. શ્રધ્ધા – વિશ્વાસ – કમીટમેંટ – સમજણશક્તિ અને સૌથી આગત્યનું ધીરજ,જેની સૌથી વધુ જરૂર આજે જણાય છે. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ હોય પણ જ્યાં સમજણશક્તિ અને ધીરજ નથી ત્યાં હજી લગ્નના બિલ બાકી હોય અને ફોટો આલ્બમના આવ્યો હોય ત્યાં જ છૂટા-છેડાની નોટિસ મળી જાય છે ! અને આ વાતનો બંને પક્ષમાંથી એક પણ પક્ષને દુઃખ પણ હોતું નથી આટલું જલ્દી અલગ પડી જવું તે ખરેખર અયોગ્ય છે. આટલું જલ્દી આપણે પાનવાળાને ત્યાંથી અલગ પણ નથી પડતાં એટલા જલ્દી છૂટાછેડાં થઈ રહ્યા છે. એક સર્વે પ્રમાણે દરરોજના અંદાજિત ૪૦ જેટલા લગ્નમેરેજ રજીસ્ટર થાય છે તો સામે ૫૨ જેટલા છૂટાછેડા થાય છે તે સમાજનો એક ગંભીર પ્રશ્ન છે. સંબંધમાં ખરેખર કોઈને ચાહતા હોવ તો તેનું સઘળું સ્વીકારવાની જવાબદારી. જ્યાં સામે વાળાના ગુણની સાથે દોષ સ્વીકારવાની તૈયારી એટલે સંબંધ. સંબંધમાં વિશ્વાસ એ પાયાના પથ્થર સમાન છે. પતિ – પત્નિને ખરેખર જરૂર તો ૨૫ વર્ષે નહિ પણ ૫૦ વર્ષ પછી વધારે પડે છે કારણ કે ત્યારે સાથની કોઈના સંગાથની વધારે જરૂર હોય છે. દાંપત્ય જીવનમાં ચઢાવ – ઉતાર આવે પણ ખરી પણ પરસ્પર પ્રેમ – લાગણી અને સમજણશક્તિથી બધું જ પાર પાડી શકાય છે ત્યારે એ ધીરજ અને વિશ્વાસ હોવો જોઈએ. લવ મેરેજ એ બીજું કશું જ નથી ઉંમર અને રૂપનું માત્ર આકર્ષણ છે અને પછી ફોનમાં કરેલી સારી સારી વાતો વાસ્તવમાં ૧૦ ટકા પણ સાચી પડતી નથી અને છેલ્લે ઝગડો અને પછી છૂટાછેડા સુધી પહોંચી જાય છે અને જે છૂટાછેડા સુધી નથી પહોચતા તેમાંના બધા જ સુખી થી જ રહેતા હોય તે જરૂરી નથી કારણ કે માતા – પિતાને છોડીને પોતાની જાતે પસંદ કરેલા પાત્ર અયોગ્ય નીકળે તો કોને પણ કહેવું ? કારણ કે ત્યારે લગ્ન અને પોતાના ભાવી ભરથારને મેળવી લેવા પોતાના સમગ્ર પરિવાર સામે એકલા હાથે બાયો ચઢાવી હોય તો હવે એકલા હાથે જ કામ કરવું પડે તેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. સારી સારી કરેલી વાતો વાસ્તવિકતાથી વિપરીત હોય છે જેનાથી વ્યક્તિ છૂટાછેડા અને જીવન ટુંકાવી નાખવા માટે મજબૂર બનતો હોય છે જે આપણે સૌએ સાંભળ્યું જ છે. પતિ – પત્નિ વચ્ચે વધારે સંબંધ ખરાબ થવાનું એક કારણ મોબાઈલ પણ છે કારણ કે મોબાઈલ એ પારકાને પોતાના બનાવે છે તેમ પોતાનાને પારકા પણ બનાવે છે જ ને !! મોબાઈલ હોવાથી પતિ – પત્નિ એકમેકની વાતો સાંભળતા નથી.સાંભળતા ના હોવાથી સમજવાનો કોઈ પ્રશ્ન પણ થતો જ નથી. નારી શક્તિ એ ઘરનું સમગ્ર સંચાલન કેમ કરવું તે તેને બખૂબી સુંદર રીતે આવડે જ છે એને કશું જ જોતો પણ નથી કે આના વગર ઘર ચાલે જ નહીં પરતું તેની સાથે દરરોજ સમય આપો તે ક્યારેય બીજું માંગશે પણ નહિ. લગ્ન કરવા જોઈએ પણ સામે વાળી વ્યક્તિના સુંદર ચહેરા સાથે નહિ પરંતુ તેની સમજણ સાથે કારણ કે ચહેરો વૃદ્ધ થશે, તેમાં કરચલીઓ પડશે, આંખે દેખાવાનું ઓછું અને કાને સંભળાવનું પણ ઓછું થશે. પણ જો સમજણ શક્તિ હશે તો તે દિવસે-દિવસે વધતી જશે જીવન જીવવાનો આનંદ આવશે અને વસંતઋતુની જેમ ખીલી ઉઠશે. લગ્ન કરવા જોઈએ પણ એવા વ્યક્તિના વ્યક્તિત્વ સાથે જેની સાથે વૃદ્ધ થવું ગમે જેના ગુણ સાથે તે અવગુણ પણ સ્વીકારવા તૈયાર હોય. તારી વાત આ ગમે છે માટે નહિ પણ તારી વાત નથી ગમતી છતાં પણ તારી સાથે છું એવું કોઈ મળી જાય તો કોઈ શુભ મૂહુર્ત કે ચોઘડિયાની રાહ ના જોતાં.
મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨

Previous articleદિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને આગામી સિઝનમાં જાળવી નહીં રાખશે : આર અશ્વિન
Next articleયુટ્યુબમાં વાણીથી કરો કમાણી…