ઓનલાઈન આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવી શકાશે

82

આરટીઓએ વધુ કેટલિક સેવા ઓનલાઈન શરૂ કરી : વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી આધાર કાર્ડ આધારીત ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમના માધ્યમથી લાભ મળશે
અમદાવાદ, તા.૨૩
જે લોકો આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવવા માગે છે તેઓ ટૂંક સમયમાં જ આરટીઓની લાંબી લાઈનોમાંથી મુક્તિ મેળવી લેશે અને પરમિટ સીધી તેમના ઘરે જ પહોંચી જશે. વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી આધાર કાર્ડ આધારીત ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમના માધ્યમથી આ સુવિધાના લાભ લઈ શકાશે. જેથી પરમિટ સીધી તમારા આધારકાર્ડમાં રહેલા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આધાર બેઝ્‌ડ ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમ ટૂંક સમયમાં જ ઓનલાઈન શરું થઈ જશે અને અનેક બીજી સેવાઓ પણ આપશે. વિભાગ દ્વારા ૧૯ જેટલી સર્વિસને આ માટે લિસ્ટ કરવામાં આવી છે જેને આરટીઓ ધક્કો ખાધા વગર કે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા વગર થઈ જશે. આ સિસ્ટમના લોન્ચ અંગે વિભાગ દ્વારા શનિવારે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ સિસ્ટમ અંગે સમજાવતા આરટીઓના અધિકારીએ જણાવ્યું કે જેમ કે કોઈ અમદાવાદી અમેરિકા ગયો હોય અને તે પોતાનું ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ જે અમાદવાદ આરટીઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું હોય તેને વધારવા માગતો હોય તો તે આ ઓનલાઈન ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમના માધ્યમથી એપ્લાય કરી શકે છે. એકવાર સિસ્ટમ દ્વારા તેમની આધારકાર્ડ ડિટેઇલ્સ વેરિફાય થઈ જાય એટલે લાઈસન્સને આગળ વધારવાની અરજી મંજૂર થઈ જાય છે. જ્યારે લાઈસન્સના મામલે અરજકર્તાની જન્મ તારીખ અને જાતી પણ એવા પેરામીટર છે જેનો ઉપયોગ ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા તેની અરજીને મંજૂરી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જ્યારે વાહન વેચવાની સ્થિતિમાં વેચાનાર અને ખરીદનાર બંનેએ પોતાના આધારકાર્ડની ડિટેઇલ્સ વન ટાઈમ પાસવર્ડના મારફત વેરિફાય કરાવવાની રહેશે. અધિકારીએ કહ્યું કે જો માહિતી બિલકુલ સાચી હશે તો વાહનનો માલિકી હક્ક તાત્કાલીક ધોરણે બદલાઈ જશે. અધિકારીએ કહ્યું કે આ દરમિયાન જો વ્યક્તિ દ્વારા આપવમાં આવેલી ડિટેઇલ અને આધાર ડિટેઇલમાં મેળ ન ખાતો હોય જેમ કે પિતાના નામના સ્પેલિંગમાં સુધારાની જરુર હોય તો તેવો સુધારો વ્યક્તિ દ્વારા અન્ય માહિતી જેવી કે સરનેમ, જન્મતારીખ, જાતી અને એડ્રેસ આપવાથી કરવા દેવામાં આવશે. જો અરજદારના નામમાં જ સ્પેલિંગની ભૂલ હોય તો પિતાનું નામ ચેક કરવામાં આવશે. અને જો પિતાનું નામ અને અરજકર્તાની સરનેમ ડેટા સાથે મેચ થશે અને એકસમાન જ હશે તો નામના સ્પેલિગમાં સુધારો કરવા દેવામાં આવશે. અધિકારીએ કહ્યું કે લોકો હવે આ રીતે ઓનલાઈન એપ્લાય કર્યા બાદ નવું લાઈસન્સ અથવા આરસી મળ્યે પોતાનું જૂનું લાઈસન્સ કે આરસી બૂકનો જાતે જ નાશ કરી શકશે. આ પહેલા લોકોને પોતાના જૂના આવા ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે આરીટીઓ જવું પડતું હતું. અધિકારીએ કહ્યું કે આ જ રીતે નેશનલ પરમિટ પણ ઈશ્યુ અથવા રિન્યુ કરવામાં આવી શકે છે. જો ટ્રાન્સપોર્ટ વેહિકલ કે પછી બસ એમ જ પડી રહી છે તો તેના માલિક ઓનલાઈન નોન યુઝ ડોક્યુમેન્ટેશન માટે પણ એપ્લાય કરી શકે છે. અને પછી જ્યારે તે વાહનને રોડ પર પાછું ઉપયોગમાં લેવાનું હોય તો જરુરી પરમિટ ફરી ઓનલાઈન માગી શકાય છે.

Previous articleદવાની અસર ન થાય એવી ફૂગથી દિલ્હીમાં બે દર્દીનાં મોત
Next article“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન