માર્ગ નવીનીકરણનું કામ અધુરૂ છોડી દેવાતા સમસ્યામાં થઇ રહેલો વધારો : વિસ્તારના રહિશો ત્રાહિમામ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય જેને પગલે રાહદારીઓ-વાહન ચાલકો અપાર યાતનાઓ વેઠી રહ્યાં છે તંત્ર દ્વારા આ માર્ગ નવીનીકરણ નું કામ આદર્યા બાદ કોઈ કારણોસર અધૂરું છોડી દેવાતા સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. શહેરના કુંભારવાડા થી નારી ગામને જોડતાં માર્ગને નવો બનાવવાનું કામ તંત્ર દ્વારા બે વર્ષ પૂર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કામ પ્રારંભિક તબક્કામાં પૂર્ણ થયા બાદ બાકી નું કામ કોઈ પણ કારણોસર અધૂરું છોડી દેવાતાં સ્થાનિકો સાથે રાહદારીઓ અને વાહન ચાલકો છેલ્લા બે વર્ષથી હેરાનગતિ વેઠી રહ્યાં છે હવે આગામી સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોડનું અધૂરું કામ પૂર્ણ કરવાને બદલે તંત્ર દ્વારા રોડ વચ્ચે આવેલ ડિવાઈડર માં વૃક્ષો ઉછેરવાનુ ડહાપણ કરી રહ્યું છે પરંતુ ધૂળ-રેતી કપ્ચી થી ભરપૂર અંદાજે નવ કિલોમીટર ના માર્ગને બરાબર દુરસ્ત કરવાની તસ્દી નથી લઈ રહ્યું !શહેર તથા બંદર વિસ્તાર માથી આ રોડપર ૨૪ કલાક હેવી ટ્રાફિક અકબંધ રહે છે જેને પગલે તંત્ર દ્વારા બનાવેલ પ્રથમ તબક્કાનો રોડ હતોનહતો થઈ ગયો છે અત્યંત ખરાબ રસ્તા ને પગલે આ રોડપર દરરોજ નાનાં મોટાં અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ લોકો ને આ અકસ્માતોમાં સામાન્ય થી લઈને ગંભીર ઈજા-મોત પણ થાય છે છતાં નિંભર તંત્ર રોડનું અધૂરું કામ પૂર્ણ નથી કરી રહ્યું કુંભારવાડા વિસ્તાર ની તંત્ર તથા અધિકારીઓ ના મનમસ્તિષ્કમા પછાત પણાની છાપને પગલે સ્થાનિકોની પાયાકિય સવલતો પણ પૂર્ણ ન કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો એ કર્યો છે દરરોજ ધૂળીયા રસ્તા પર ભારે વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઉડી લોકો ના ઘરોમાં ભરાઈ જાય છે આથી આ સમસ્યાને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે આ અંગે સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા નગરસેવકો ને રજૂઆત કરી તત્કાળ માર્ગ સમારકામ ની માંગ કરી છે અને નિયત દિવસોમાં પ્રશ્ન નો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.