છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા : દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હી, તા.૨૪
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ ૪૭માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૫૦માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા છે અને ૪૩૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦૯૪૯ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૩૭ દિવસની નીચલી સપાટી ૧,૧૧,૪૮૧ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૯૭૨ કેસ નોંધાયા છે અને ૫૭ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ભારતમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં ૮૪૮૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૧૮,૪૪,૨૩,૫૭૩ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૬,૫૮,૨૦૩ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૬૩,૪૬,૪૭,૧૩૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જેમાંથી ગઈકાલે ૧૧,૫૭,૬૯૭ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.