ગાંધીનગર,તા.૨૪
કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમકોર્ટે અગાઉ જણાવ્યું હતું. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે.જેના ફોર્મની પ્રક્રિયા ૧૫મીથી શરૂ થશે, જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-૪ અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર ૪-છ પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે. વહીવટી તંત્રને જાણ કરવા માટે શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોનદીઠ સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે. તેમને અરજી કરવાની રહેશે, જેના માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ તેમનાં નામ, હોદ્દા, કચેરીનું સ્થળ અને સંપર્કની વિગતો, કામકાજનો સમય વગેરે દર્શાવવાનાં રહેશે. મૃતકના પરિવારના સભ્યો પાસે મૃત્યુનું કારણ ઉપલબ્ધ ના હોય કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિસ્થિતિમાં સમાવેશ ના થયો હોય અને મૃત્યુના કારણથી સંતુષ્ટ ના હોય તથા કોરોનાથી મૃત્યુ પામેલાં સ્વજનોના દસ્તાવેજ કે પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેઓ કલેક્ટરને આ અંગે અરજી કરી શકશે. રજિસ્ટ્રારે અરજદારને મૃત્યુ પામ્યાનું કારણ નહીં હોવાનું સર્ટિફિકેટ આપવું પડશેગુજરાત સરકારે કોવિડથી થયેલાં મૃત્યુની સામે વળતરનો દાવો કરવા માટે અરજદારે પોતાના સગાંનું મૃત્યુ કોવિડને કારણે થયું છે તે મુજબનું પ્રમાણપત્ર ખાતરી સમિતિ (સ્ક્રૂટિની કમિટી) પાસેથી મેળવવાનો નિયમ બનાવ્યો હતો. જોકે સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકારે નવેસરથી સુધારો કરતો ઠરાવ બહાર પાડીને મૃતકના વારસદારોએ માત્ર જિલ્લા કલેક્ટર હેઠળના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જ સીધી અરજી કરવાની રહેશે. સરકારે આ પ્રક્રિયા સાથે સંકળાયેલાં તમામ વિભાગોને આ કામને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ કરવાની તાકીદ પણ કરી છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સુનાવણી દરમિયાન કોર્ટના આકરા વલણ પહેલાં જ સરકારને અહેસાસ થઇ ગયો હતો કે આ મુદ્દો અવળો પડી શકે છે, તેથી સુનાવણી પહેલાં જ રવિવારના ચાલુ દિવસે અડધી રાત્રે જ આરોગ્ય વિભાગે આ ઠરાવ બહાર પાડી દીધો હતો. જો કે કોવિડ પોઝિટીવ આવ્યાનો ટેસ્ટ રિપોર્ટ ન હોય તેવાં કિસ્સાઓમાં મૃતકના વારસદારોએ ખાતરી સમિતિ સમક્ષ જ જવું પડશે. ખાતરી સમિતિની રચના કરીને ગુજરાત સરકાર આખા મુદ્દાને ગૂંચવીને લોકોને સહાયથી વંચિત રાખવા માંગે છે તેવાં આકરા પ્રશ્નનો મારો ચલાવીને સુપ્રીમકોર્ટે રાજ્ય સરકારનો ઊધડો લીધો હતો. હવે ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ નવો ઠરાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરીને પોતાનો જવાબ રજૂ કરશે. આ માટે રાજ્યના આરોગ્ય કમિશનરે એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે મુલાકાત પણ કરી હતી. આરોગ્ય વિભાગના આ ઠરાવ મુજબ કોરોના પોઝિટિવ સાબિત થયાના ૩૦ દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવાને પાત્ર રહે છે. જો કે અહીં ઝેરથી મૃત્યુ, હત્યા કે અકસ્માતને અપવાદ ગણાયાં છે. સૂત્રોના જણા્વ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં આગથી મૃત્યુ પામ્યાં હોય તેવાં દર્દીના વારસદારને આ હેઠળ સહાય મળશે નહીં, કારણ કે સરકારે તેમને અગાઉ સહાય આપી દીધી છે.