સરકારની નિષ્ફળતા તેમજ મોંઘવારી સહિતના મુદાઓને લઈ ઘરે ઘરે જઈ લોકોને માહિતગાર કરશે
ભાવનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે ગુરૂવારે જન જાગપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા જશોનાથ ચોક ખાતેથી ખારગેટ સુધી પગપાળા જન જાગરણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસના સભ્યો આગામી માર્ચ મહિના સુધી વોર્ડ વાઈસ ઘરે ઘરે જઈ ભાજપ સરકારની નિષ્ફળતા તેમજ મોંઘવારી સહિતના મુદાઓને લઈ લોકોને માહિતગાર કરશે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં લોકોને કોરોના કાળમાં હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની સુવિધા મળી ન હતી. જેથી કેટલાય લોકોના મૃત્યુ થયા હતા. જે માટે જવાબદાર સરકાર છે. તેમજ ખેડૂત વિરોધી ત્રણ બિલો પણ પસાર કર્યા હતા, જેથી ખેડૂતોએ સંઘર્ષ કરી આંદોલન કરવું પડ્યું હતું. જે આંદોલનમાં પણ અનેક ખેડૂતોના મૃત્યુ થયા હતા. છેવટે સરકારને આત્મજ્ઞાન થયું અને આ ખેડૂત વિરોધી બિલો પાછા ખેંચવા પડ્યા હતા. પ્રકાશ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના સભ્યો આવા વિવિધ મુદ્દાઓને લઈ ઘરે ઘરે જઈ લોકોને માહિતગાર કરશું. ભાજપ સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કોરોનામાં સરકારની કામગીરી નબળી પડી છે. પેટ્રોલ-ડીઝલ રાંધણગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, તે અંગેની માહિતી ઘરે-ઘરે લોકો સુધી પહોંચાડશે. આ જનજાગરણ અભિયાન યાત્રા દરમિયાન ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, વિરોધપક્ષના નેતા, કોર્પોરેટર કાંતિ ગોહિલ, પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, લાલભા ગોહિલ, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય કલ્પેશ મણિયાર, મહિલા કોંગ્રેસના દર્શનાબેન જોષી, કૉંગ્રેસ યુવા પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, નિલેશ ધાપા, મહેન્દ્રસિંહ સહિતના આગેવાન કાર્યકરો હાજર રહ્યા હતાં.