રાજ્ય સરકાર સર્વ સમાજને ઉપર લાવવાં માટે ઉત્તમ થી સર્વોત્તમ કામગીરી કરી રહી છે : પ્રદિપભાઇ પરમાર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ સમાજને સાથે લઇને સૌના સાથ- સૌના વિકાસના મંત્ર દ્વારા ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઇ જવાની કામગીરીક કરી રહી છે. દલિત અધિકાર સંઘ, ગુજરાત દ્વારા પાનવાડીનાં આંબેડકર હોલ ખાતે યોજાયેલાં ૧૬ માં તેજસ્વી તારલાં તથા વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપી તેનો લાભ લેવાં અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે,
અગાઉની યોજનાઓના લાભ મેળવવાની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, અમારી સરકાર કોઇ જ્ઞાતિ ધર્મને આધારે નહીં પણ સર્વ સમાજનો સમાન ધોરણે વિકાસ થાય તે માટે કટિબધ્ધ છે. સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે અમે નવી-નવી યોજનાઓ દ્વારા બાકી રહી ગયેલાં લોકોનો પણ સમાવેશ કરી તેને પણ સમાજની મુખ્યધારામાં લાવવાના યથાયોગ્ય પ્રયત્નો કરી રહ્યાં છીએ તેની વિશદ ભૂમિકા તેમણે આપી હતી. મંત્રીએ કહ્યું કે, માત્ર પ્રશ્નો ઉભા કરવાથી કંઇ નહીં થાય તેનું સમાધાન પણ આપણે શોધવું પડશે. આપણી પાસે સમાધાન પડ્યું જ હોય છે માત્ર સ્વ ના હિત કારણે તે દેખાતું નથી. પરંતુ જો સમષ્ટીનો વિચાર કરવામાં આવશે તો તે પ્રશ્ન આપોઆપ ઉકેલાઇ જશે. મેયર કિર્તીબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, જે-તે સમાજનો વિકાસ તો જ થાય જો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે. તેમાંય જો પ્રતિભાવાન બાળકોને સન્માનિત કરવામાં આવશે તો તેને આપોઆપ આગળ વધવાની પ્રેરણા મળશે. શહેર પ્રમુખ રાજીવભાઇ પંડ્યાએ જણાવ્યું કે, વિદ્યાએ છે જે મુક્તિ તરફ લઇ જાય છે. સર્વ બંધનોમાંથી મુક્ત કરે છે. છેવાડાનાં માનવી સુધી સુખાનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ અવસરે દલિત અધિકાર મંચનાં પ્રમુખ નાનજીભાઇ બોરીચાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી અને મહાનુભાવોના હસ્તે સમાજ સેવામાં ઉત્તમ કામગીરી કરનાર સમાજના નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદાન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોહનભાઇ બોરીચા, ઉદ્યોગપતિ રજનીભાઇ સહિતના સમાજના ગણમાન્ય નાગરિકો તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.