વિવિધ વિભાગની ૩૪ ટીમો ભાગ લેશે : સરકારી કર્મચારીઓ રમતના મેદાનમાં પોતાનું કૌવત બતાવશે
ભાવનગરમાં સરકારી કર્મચારીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માઉન્ટેડ યુનિટ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. જિલ્લા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૬/૧૧/૨૦૨૧ થી તારીખ ૨૮/૧૧/૨૦૨૧ દરમિયાન આયોજીત કરવામાં આવી છે. ભાવનગરના સરકારી કર્મચારીઓએ કોરોના અને ત્યારબાદ તાઉતે વાવાઝોડા વખતે તેમની કામગીરીનું કૌવત બતાવ્યું જ છે.
હવે આ કર્મચારીઓ અને અધિકારીઓ રમતના મેદાનમાં તેમની શારીરિક સ્ફૂર્તિ અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરશે. સરકારી કર્મચારીઓ શારીરિક ચુસ્ત- દુરસ્ત રહે તો જ તેઓ પોતાની પૂરતી ક્ષમતાથી કાર્ય કરી શકે. તેમજ આવી સ્પર્ધાઓથી ટીમ વર્ક અને સંઘભાવનાના ગુણો કેળવાતાં હોય છે. જેથી સરકારી કર્મચારીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા માઉન્ટેડ યુનિટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એમ.કે.બી.યુનિવર્સિટી ખાતે યોજાશે. આ ટેનીસ બોલ ટુર્નામેન્ટની મેચ સવારે ૭ કલાક થી શરૂ થશે. દરેક મેચ ૧૦ ઓવરની રમાડવામાં આવશે. આ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાની કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષક કચેરી, જિલ્લા પંચાયત કચેરી મળીને કુલ ૩૪ વિવિધ સરકારી કચેરી તથા વિભાગના કર્મચારીઓએની ટીમો ભાગ લઈ રહી છે.