શહેરીજનોને ઘર આંગણે વિટામિનયુકત દૂધ અને તેની વિવિધ પ્રોડકટ ઉપલબ્ધ થશે
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શહેરીજનો પાશ્ચુરાઇઝડ પેકિંગમાં મળતા દૂધ અને તેની વિવિધ બનાવટો વિશે જાગૃત થાય અને છુટક દૂધથી થતા નુકસાનથી અવગત થાય તેની સાથે સાથે શહેરીજનોને વિટામિનયુકત દૂધ ઘર આંગણે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ખેડૂતોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્્યૂસર કંપની દ્વારા માહી મિલ્ક મોબાઇલ પાર્લર શરૂ કરવામાં આવ્યુ છે. આ મોબાઇલ પાર્લરનું ઉદઘાટન કંપનીના ચીફ એકિઝકયુટીવ ડો. સંજય ગોવાણીએ કર્યુ હતું.આ પ્રસંગે કંપનીના એડવાઇઝર યોગેશ પટેલ તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કંપની દૂધ વાહન મારફત ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ફરતા રહીને દૂધ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે અને તેની સાથે માહી બ્રાન્ડના દૂધ તેમજ દૂધ ઉત્પાદનોનું વેંચાણ પણ કરવામાં આવશે જેથી લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષપણ થઇ શકે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ નાથવા તમામ ક્ષેત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ત્યારે માહી કંપની દ્વારા પણ તેમાં યોગદાન આપી શકાય તે હેતુથી વિટામિન એ અને ડી યુકત દૂધ લોકોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ અંગે માહી કંપનીના ચીફ એકિઝકયુટીવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યુહતું કે, આ એક નવતર પહેલ છે. લોકોને ઘર આંગણે ફોર્ટીફાઇડ દૂધ મળી રહે તે માટે આ મોબાઇલ પાર્લર ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતું રહેશે અને લોકો તેમાંથી તેમની જરૂરિયાત મુજબના દૂધ, દહીં, ઘી, છાશ વગેરેની ખરીદી કરી શકશે.