મહાપાલીકાની કારોબારી સમિતીમાં અધ્યક્ષસ્થાનેથી ચાર ઠરાવો મંજુર કરાયા
ભાવનગર મહાપાલીકાની કારોબારી સમિતીની બેઠક આજે ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એજન્ડા મુજબના તમામ ૧૭ ઠરાવોને ચર્ચાઓ કરી મંજુરી આપવા ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી નવા ચાર ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની આજે મળેલી બેઠકમાં અગાઉથી નક્કી કરાયેલા લિઝ પટ્ટા, લગત જમીન વેચવા સહિતના ૧૭ ઠરાવોને ચર્ચાઓ કરી મંજુર કરાયા હતા જ્યારે અધ્યક્ષસ્થાને ચાર ઠરાવો મુકાયા હતા જેમાં ન.પા.શિક્ષણ સમિતિની ૪૫ શાળાઓમાં રૂા.૧.૨૨ કરોડના ખર્ચે ફાયર સેફટીના સાધનો વસાવવાના ઠરાવને મંજુર કરાયો આ ઉપરાંત ઓડીટ વિભાગમાં સિવિલ લેબ બનાવવાની હોય તેના માટે સ્પેશિયલ ઓફિસરના જેટકોના નિવૃત્ત અધિકારી સનતભાઈ પટેલની નિમણુંક કરી સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવશે જે અંગેની મંજુરી આપવામાં આવેલ. આ ઉપરાંત ડે.મેયર અને વિપક્ષ નેતાની ગાડીઓ જુની થઈ ગઈ હોય તેને મેયર અને ચેરમેનની ગાડીઓ ફાળવી નવી બે ઈનોવા મેયર અને ચેરમેન માટે લેવાનો ઠરાવ મંજુર કરાયો આ ઉપરાંત કલમ ૪૫ અન્વયે સીટી એન્જીનીયર અને ડે. કમિશ્નરનો ચાર્જ સેન્સ લઈ આપવામાં આવવાનો હોય છે પંરતુ સેન્સ લીધા વિના સિટી એન્જીનીયરનો ચાર્જ અપાયો હોય હવે તાત્કાલીક ધોરણે સીટી એન્જીનીયરનો ચાર્જ રદ્દ કરી સક્ષમ સત્તાનો સેન્સ લઈ સીટી એન્જીનીયરની કાયમી નિમણુંક કરવાના ઠરાવને મંજુર કરવામાં આવેલ આમ મહાપાલિકાની કારોબારી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ચાર ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા.