૧૯૭૧ના યુદ્ધમાં ભાવનગરના કાદરખાને પોતાના શરીરે બોમ્બ બાંધી ૬ પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવી પોતે શહાદત વહોરી હતી

103

શહાદતના ૫૦ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરી પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ : ૯૭ વર્ષીય માતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું : શહીદીને ૫૦ વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા ભવ્ય ઉજવણી
૧૯૭૧ ની સાલમાં બાંગ્લાદેશની સરહદે પાકિસ્તાન સામે લડતા લડતા શહીદી વહોરનાર ભાવનગર જિલ્લાના વાળુકડ (જીજી) ના સિપાહી સમાજના વીર શહીદ કાદરખાન બાદરખાન તૂર્કની શહીદી ને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા વીર શહીદ કાદરખાન તુર્કને પુષ્પાંજલિ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના નિવૃત્ત સૈનિક અગ્રણીઓ, શહીદ કાદરખાન તુર્કના નાના ભાઈ સિકંદરખાન તુર્ક અને જિલ્લા સિપાઈ સમાજ ના આગેવાન જ.આરીફભાઈ ખોખર વિગેરેએ શહીદ જવાન ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રસંગે પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે વીર શહીદ કાદરખાન બહાદુરખાન તુર્ક ના ૯૭ વર્ષના વયોવૃદ્ધ માતાજી માતા અમીરબેન પણ હાજર રહ્યા હતા.

દેશનીરક્ષા માટે ભાવનગર જિલ્લો પણ પોતાનું પ્રદાન કરી રહ્યો છે, હાલ ત્રણેય દળમાં ૧૦૦૦થી વધુ જવાનો ફરજ બજાવી રહ્યા છે, અને ૯૦૦ જવાનો ફરજ પૂર્ણ કરી નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના વાળુકડ ગામના ૭૧ની લડાઇમાં શહીદ થયેલ કાદરખાનના પૌત્ર પણ સરહદે જવા આતુર છે. ભાવનગર જિલ્લાના વાળુકડ (જીજી)ના વીર શહીદ કાદરખાન બાદરખાન તૂર્ક ૧૯૭૧માં પાકિસ્તાન સામેની લડાઇમાં દેશની રક્ષાકાજે લડતા લડતા શહીદ થયા હતા તેઓના નાનાભાઇના પુત્રને પણ સેનામાં મોકો મળે તો લડતા લડતા શહીદ થવાની ઇચ્છા છે. વીર શહીદ કાદરખાનના નાનાભાઇ સિકંદરખાનના પુત્ર સાજીદખાન યુવાવસ્થામાં છે, અને દેશ માટે લડતા લડતા શહીદ થયેલા મોટાબાપુના પગલે ચાલીને સેનામાં ભરતી થવાની ઇચ્છા ધરાવે છે. પાકિસ્તાન દ્વારા હાલના સમયમાં કરવામાં આવી રહેલી યુધ્ધની સ્થિતિ અંગે સાજીદખાને જુસ્સા સાથે કહ્યુ હતુકે, પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઇએ અને સરહદ પર મને લડવાની તક મળે તો દેશની રક્ષા કાજે પ્રાણ ત્યજવા પડે, શહીદી વ્હોરવી પડે તો મારી તૈયારી છે, અને મારા પરિવારને પણ ગર્વ થશે. ૧૬ વર્ષની ઉંમરે યુવાનો મોજ શોખમાં ગળાડૂબ હોય છે, પણ કાદરખાનના મગજમાં દેશની સેવાનો વિચાર આવ્યો. માત્ર ૧૬ વર્ષની ઉંમરે ધો.૧૧ (મેટ્રિક)ની પરીક્ષામાં ઉતિર્ણ થયા બાદ કાદરખાનને સેનામાં સામેલ થવાની ઝંખના જાગી હતી. ઘરેથી સેનાની ભરતી અંગે કોઇ જાણ કર્યા વિના પહોંચી ગયા. પસંદગી થયા બાદ ઘરના લોકોને જાણ કરી હતી કે તેઓ દેશની રક્ષાકાજે જઇ રહ્યા છે. આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કર્યાના બે વર્ષ બાદ ૧૯૭૧માં પાકિસ્તાન સામે યુધ્ધ ફાટી નિકળ્યુ હતુ. વાળુકડના કાદરખાનને બટાલીયન ૮ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની સરહદે તેઓને યુધ્ધ દરમિયાન મુકવામાં આવ્યા હતા. ભારતના ૧૬૦૦ જવાનોને લઇને પસાર થઇ રહેલા ભારતીય યુધ્ધ જહાજ આઇ.એન.એસ.ખુખરી પર પાકિસ્તાની દળો દ્વારા બેફામ ગોળીબાર દરિયાતટેથી કરવામાં આવી રહ્યો હતો. ૨૪/૧૧/૧૯૭૧ના રોજ કાદરખાને જે બંકરમાંથી ગોળીબાર થઇ રહ્યો હતો તેને બંદુકના ચમકારા પારખી લીધા હતા. દુશ્મનોની નજર ચૂકવતા, લપાતા છુપાતા બંકર સુધી પહોંચી ગયા હતા. તે બંકરમાં પાકિસ્તાનના ૬ જવાનો મોજુદ હતા. તમામ તૈયારીઓ સાથે ત્યાં પહોંચી ગયેલા કાદરખાનની કમ્મરે બોંબ બાંધેલા હતા. બંકરમાં કુદકો લગાવતાની સાથે કાદરખાને પોતાના જીવન અંગે જરાપણ વિચાર્યા વિના બોંબ બ્લાસ્ટ કરી નાંખ્યો, અને પાકિસ્તાનના ૬ જવાનોનો ખાતમો બોલાવી દીધો હતો. વીર શહીદ કાદરખાન બહાદુરખાન તૂર્ક એ દેશ માટે લડતા લડતા પોતાના પ્રાણની આહૂતિ આપ્યા સમાચાર વતન વાળુકડ ગામે પહોંચતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને નાના એવા ગામડામાં ગમગીની છવાઇ ગઇ હતી. લોકો સ્તબ્ધ બની ગયા હતા અને માતા પર અચાનક આવી પડેલી દુઃખની ઘડીમાં સમગ્ર ગામ પડખે આવીને ઉભુ હતુ. હુંફ અને સહકાર તમામ તરફથી મળી રહ્યો હતો. તેમ કાદરખાનના માતા અમીરબેને જણાવ્યું હતું. અંતે શહીદ શહાદત બદલ સારા માન-સન્માન મળ્યા હતા. ભાવનગરની ભાગોળે આવેલા વાળુકડ ગામના વીર શહીદ કાદરખાન બહાદુરખાન તૂર્કના માતા અમીરબેન ૯૭ વર્ષની ઉંમરે હયાત અને તંદુરસ્ત જીવન વ્યતિત કરી રહ્યા છે, અમીરાબેન ને કુલ ત્રણ સંતાન હતા જેમાંથી એક પુત્ર કાદરખાન દેશ કાજે લડતા લડતા શહીદી વહોરી લીધી હતી, જયારે બીજા એક પુત્ર ની અકસ્માતે અવસાન થયું છે અને અત્યારે અમીરબેન માટે એક માત્ર પુત્ર સિકંદરખાન માતા અને પરિવાર ની સંભાળ રાખી રહ્યા છે, અમીરાબેને કહ્યું હતું કે, મારો દીકરો શહીદ થયો હતો, તેનું મને અને મારા પરિવારને ખૂબજ ગૌરવ છે.

Previous articleશિક્ષણ સમિતિની શાળાઓમાં ૧.૨૨ કરોડનાં ખર્ચે ફાયરનાં સાધનો વસાવવામાં આવશે
Next articleશહેરનાં આંગણે શુકદેવજી સ્વરૂપ પૂ.ભાઈશ્રીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન