મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડમાં મગફળી લાવવાનો પ્રતિબંધ હટાવાયો
ભાવનગર શહેર સહિત ગોહિલવાડમાં મગફળીની ભરપુર આવક થઈ છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડ જ નહી પરંતુ મહુવા, તળાજામાં પણ ભરપુર આવક સાથે યાર્ડમાં હવે મગફળીની બોરીઓ ઉતારી શકાય તેવી જગ્યા રહી નથી. આ સંજોગોમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડના દરવાજા કેટલાક કલાકો પુરતા ખોલવામાં આવ્યાં છે. જ્યાં રવિવારે બપોરથી સોમવારે સવાર સુધી મગફળી ઉતારવાની છૂટ અપાઈ છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ગુણીનો ભરાવો થઈ ગયો હતો. જેથી ખેડૂતોને નવી મગફળી લાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બાદ યાર્ડનાં ઈન્ચાર્જ સેક્રેટરી દ્વારા મગફળીની નવી આવક યાર્ડમાં લાવવા માટે રવિવાર બપોરે 3 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધીની ખેડૂતોને છુટ આપવામાં આવી છે. ત્યારબાદ નવી સુચના ન અપાઈ ત્યાં સુધી યાર્ડમાં નવી મગફળીની આવક સદંતર બંધ રાખવાની પણ સુચના અપાઈ છે. જ્યારે મગફળી ખરીદનારા વેપારીઓ પોતે ખરીદેલી મગફળીની ગાડીઓ સત્વરે ભરાવી લેવાની રહેશે અને પોતાનાં ગોડાઉનમાં ફેરવવા પણ તાકીદ કરવામાં આવી છે.