ભાવનગરમાં રાઠોડ પરિવારના યજમાનપદે શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ
ભાવનગરમાં આજથી રાઠોડ પરિવારના યજમાનપદે શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ થયો. આ પ્રારંભ વેળાએ મહાત્મ્ય વર્ણન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, પિતૃઓના પુણ્યાર્થે નહિ, પિતૃઓના પુણ્ય હોય એટલે જ ભાગવત કથા થતી હોય છે.સચ્ચિદાનંદરૂપાય વિશ્વોતપત્યાદિહેતવે, તાપત્ર અવિનાશાય શ્રી કૃષ્ણાયવયં નમઃ – શ્રીમદ ભાગવતના મંગલાચરણ શ્લોક મહિમા ગાન સાથે ભાઈશ્રીએ કહ્યું કે, સચ્ચિદાનંદ સ્વરૂપ કે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ સાથે ત્રિવિધ તાપ નાશ કરનાર છે.
લોકો તીર્થ કરવા અન્યત્ર જાય છે, ત્યારે તીર્થો કથામાં આવતા હોય છે. તેઓએ કહ્યું કે પૈસાથી કથા ન થાય, ઠાકરનો હુકમ ન થાય ત્યાં સુધી ન થાય. આજે અહીં યજમાનના સંકલ્પ અને પિતૃઓ વડીલોના આશીર્વાદ પુણ્યથી ભાગવત ગાન થઈ રહ્યું છે. ભાઈશ્રીએ ભાવેણાની ભાવપૂર્ણ ભૂમિમાં ભાગવત કથા એમ ઉલ્લેખ કરી કથા પ્રારંભ સાથે અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ અને પ્રસંગ સંબંધી વર્ણન કરી ભાગવત ગ્રંથની કિંમત નહિ પણ તેનું જીવનમાં મૂલ્ય શુ હોય છે, તે અંગે શીખ આપી. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભે યજમાન પરિવાર દ્વારા ઉત્સાહ સાથે વ્રજધામ ખાતે પોથીયાત્રા આવી હતી. અહીંયા સંતોના હસ્તે દીપપ્રાગટય કરાયું હતું, જેમાં અગ્રણીઓ સાથે રહ્યા હતા. પ્રારંભે પૂજ્ય રામબાપુએ ઉદબોધન કરી સારી લક્ષ્મીનો આવા સદકાર્યમાં વપરાતી હોવાનું જણાવી રાઠોડ પરિવાર પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો. જાણિતા ઉદઘોષક નરેશભાઈ મહેતાએ ભાઈશ્રીની સમાજ પ્રત્યેની કરુણા અને આજની કથા હૈયાથી નીકળી રહી હોવાનું કહ્યુ.યજમાન પરિવારના સુરેશભાઈ શૈલાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ શૈલાભાઈ રાઠોડતથા ભરતભાઈ શૈલાભાઈ રાઠોડ દ્વારા સૌને આવકારાયા હતા.