કૃષિ ઉડાન ૨.૦ યોજના અંતર્ગત ભાવનગર એરપોર્ટ પર શરૂ કરાશે સ્મોક મોડેલ હબ

96

ખેડૂતોની પ્રોડક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે : એરપોર્ટ ઓથોરીટી દ્વારા ૫૩ એરપોર્ટને આ યોજના હેઠળ જોડી દેવામાં આવશે
કેન્દ્રની મોદી સરકારે કૃષિ ઉડાન ૨.૦ લૉન્ચ કરી છે, આ સ્કીમની મદદથી પહાડી રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને મદદ મળી શકે છે? કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ યોજનાને લોન્ચ કરી છે. દેશના ભાવનગર સહિત ૫૩ એરપોર્ટથી ખેડૂતોના સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લેહ, શ્રીનગર, નાગપુર, નાસિક, રાંચી, બાગડોગરા, રાયપુર અને ગુવાહાટીમાં ભારત સરકાર તરફથી ટર્મિનલ બનાવવામાં આવશે અને આગામી સમયમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા ૫૩ એરપોર્ટને તેમાં જોડી દેવામાં આવશે. ભારત સરકાર આ યોજના હેઠળ જુદા- જુદા શહેરોમાં વિવિધ હબ પણ બનાવવા જઈ રહી છે જેમાં ગુજરાતનાં ભાવનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે. ગુજરાતનાં અમદાવાદ, ભાવનગર, રાજકોટમાં હબ અને સ્પોક મોડલ તૈયાર કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ ત્રણ મોટા શહેરોમાં હબ બની જશે જ્યારે ૨૦૨૩-૨૪માં વડોદરામાં પણ આવું જ મોડલ તૈયાર કરવામાં આવશે. ગુજરાતની સાથે અન્ય રાજ્યોના શહેરોમાં પણ આ જ રીતે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ખેડૂતોની પ્રોડક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે જેથી તેનો બગાડ થાય નહીં અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ નવી સ્કીમની મદદથી ખેડૂતોની જે પ્રોડક્ટને મોકલવામાં એક દિવસથી વધુનો સમય લાગતો હતો તે હવે ગણતરીના કલાકોમાં જ પહોંચી જશે જેથી ખેડૂત અને ખેડૂતના જે તે ગ્રાહકને તેનો જોરદાર ફાયદો થવા જઈ રહ્યો છે. આ સ્કીમ હેઠળ ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સમાં લેન્ડિંગ, પાર્કિંગ, ટર્મિનલ નેવિગેશન અને લેન્ડિંગ ચાર્જમાં પણ છૂટછાટ આપવામાં આવશે.

Previous articleતળાજાના ભારોલી ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો ઝથ્થો ઝડપાયો
Next articleશાળાઓ શરૂ થતાંની સાથે જ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ધરખમ વધારો