શાળાઓ શરૂ થતાંની સાથે જ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ધરખમ વધારો

105

ઓછામાં ઓછું ભાડું ૧૫૦ રૂપિયા ફિક્સ કરાયું, વાલીઓમાં ભારે કચવાટ ફેલાયો, શૈક્ષણિક સંસ્થાઓ હવે ભાડા વધારશે
મહાનગરની દેખાદેખીથી દુષ્યપ્રેરણા લઈને ભાવનગર શહેરમાં ખાનગી વાહનો દ્વારા બાળકોને શાળાઓમાં તેડવા-મૂકવા જતાં યુનિયન દ્વારા ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં રાતોરાત વધારો કરવા સાથે ઓછામાં ઓછું ભાડું “ફિક્સ” ભાડું વાલીઓ કે સત્તાવાળ તંત્રની રજામંદી વિના રાતોરાત વધારી દેતાં વાલીગણ માં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં રાજ્ય ભરમાં આવેલી સરકારી-ખાનગી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ રાબેતા મુજબનાં ક્રમમાં વાલીઓ ઢળે એ પૂર્વે જ આજદિન સુધી નવરાધૂપ બેઠેલાં ખાનગી વાહન ચાલકો વર્ધી ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની સંમતિ કે જરૂરી મંજૂરી વિના રાજ્ય ના અન્ય મહાનગરો ના વાહન ધારકો પરથી પ્રેરણા લઈને બાળકોને શાળાઓમાં તેડવા-મૂકવાના ભાડામાં અસહ્ય વધારો કરી દેતાં વાલીગણ માં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે અને આ ભાવ વધારો તત્કાળ પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરી રહ્યાં છે. ભાવનગર શહેર-જિલ્લામાં પ્રાયમરી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થયાને હજું એક સપ્તાહ પણ પુરૂ નથી થયું ત્યાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વાલીઓ માટે સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં ૨૦ માસ જેવા લાંબા સમય સુધી સરકારી-ખાનગી પ્રાથમિકશાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય કોરોના મહામારી ને કારણે બંધ રહ્યું હતું અને હજું બે દિવસ પૂર્વે જ સરકારે સત્તાવાર જાહેરાત કરી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ બહાલ કરવાનો આદેશ કર્યો હતો આ ૨૦ માસ સુધી શાળાઓમાં વિદ્યાર્થીઓ ને ઘરેથી તેડવા-મુકવા જતાં ખાનગી વાહન ચાલકો કામ વિહોણા બેસી રહ્યાં હતાં અને આ ૨૦ માસની આર્થિક ખોટ એક જ સાથે વસુલવાનો કારસો ઘડ્યો હોય તેમ અમદાવાદ, વડોદરા સુરત રાજકોટ સહિતના મહાનગરો સ્થિત ખાનગી વર્ધી ધારકો દ્વારા વિદ્યાર્થીઓ ને તેડવા મુકવા જવાનાં ભાડામાં ધરખમ વધારો કર્યો છે આ મહાનગરોથી પ્રેરાઇને ભાવનગર શહેર-જિલ્લામાં ખાનગી વર્ધી ધારક વાહન ચાલકો દ્વારા ભાડા માં વધારો કરી દેતાં વાલીગણ માં રોષ વ્યાપ્યો છે ઉપરાંત ઓછામાં ઓછું ભાડું પણ ફિક્સ ૧૫૦ રૂપિયા એ સાથે એક માસ નું એડવાન્સ ભાડું વાલીઓ પાસેથી વસુલવાનો નિર્ણય કર્યો છે અને મોટા ભાગના વાહન ચાલકો દ્વારા વાલીઓ પાસે ઉઘરાણા શરૂ પણ કરી દિધા છે આજકાલ તમામ ક્ષેત્રે અસહ્ય મોંઘવારી સાથે આવકના સ્ત્રોત ઓછા અને ટાંચા છે ત્યારે શાળાઓ શરૂ થયાની સાથે ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ભાવ વધારો કેટલી હદે ઉચિત ગણી શકાય ?! એવા વેધક સવાલો વાલીઓ કરી રહ્યાં છે આ બાબતે વાલીઓ હાલ વાહન ચાલકો સાથે દલીલો-રકઝક પણ કરી રહ્યાં છે પરંતુ ખાનગી વાહન ચાલકોનુ એસોસિએશન હોય આ ચાલકો કોઈ પણ ભોગે નમતું જોખવા તૈયાર નથી અને ફ્યુઅલ ના ભાવ વધારાનો મુદ્દો પકડી ભાવ વધારો અનિવાર્ય હોવાની કેસેટ વગાડી રહ્યાં છે ત્યારે આ મુદ્દે જવાબદાર તંત્ર સત્વરે હસ્તાક્ષેપ કરી ઘટતું કરે એવી વાલીઓ માં માંગ ઉઠી છે.
પરિસ્થિતિ થી વાકેફ પણ છીએ અને મજબૂર પણ : ખાનગી વાહન ધારક
સમગ્ર દેશમાં છેલ્લા છ માસમાં વાહનોમાં વપરાતાં પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણોમા અકલ્પનિય ભાવ વધારો થયો છે અને હાલ પણ રાતોરાત ભાવ વધે છે એ સાથે વાહનોની એસેસરીઝ તથા અન્ય ખર્ચા ઓ પણ ખૂબ જ વધારે થાય છે એ સાથે ખાનગી વર્ધી ધારકો ૨૦ માસ સુધી ભાડા વિહોણા રહ્યાં શાળાઓ જેટલો સમય બંધ રહી એ દરમ્યાન ભાવનગર માં લગભગ કોઈ પણ વાહન ધારકે ભાડું લીધું નથી અમારા પરીવારો આ વર્ધીની આવક પર નિર્ભર છે મોંઘવારી નો માર અમને પણ નડે છે પરંતુ શું કરીએ ? આ વ્યથા સ્કૂલ રિક્ષા અને અન્ય વાહનો ચલાવતા વાહન ધારકોની છે.
વાહન ધારકોનો નિર્ણય ગેરવ્યાજબી : વાલી
ભાવનગર જેવા પછાત મહાનગરમાં મોટા ભાગે મધ્યમ અને ગરીબ વર્ગીય લોકો વસે છે આ લોકો કોરોના મહામારી વૈશ્વિક મહામંદી સહિતના પારાવાર પડકારો વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે અને હજું સ્કૂલો શરૂ જ થઈ છે ત્યારે એકાએક જ ભાડા માં વધારો કરી દેવો અને એ પણ વાલીઓની સંમતિ વિના ?!!આ વાત બિલકુલ વ્યાજબી નથી તેમ વાલીઓ જણાવી રહ્યા છે.

Previous articleકૃષિ ઉડાન ૨.૦ યોજના અંતર્ગત ભાવનગર એરપોર્ટ પર શરૂ કરાશે સ્મોક મોડેલ હબ
Next articleભાવનગરમાં નવનિર્મિત ત્રણ CHC સેન્ટરો સાધનો અને સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા સમાન