ભાવનગરમાં નવનિર્મિત ત્રણ CHC સેન્ટરો સાધનો અને સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા સમાન

119

રૂવા ગામે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું બે વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ : નારી ગામે ધારાસભ્ય જિતુ વાઘાણી હસ્તે લોકાર્પણ કરાયું હતું : હેલ્થ સેન્ટરોમાં લોકાર્પણ બાદ આરોગ્ય લક્ષી કોઈ સુવિધા ઉભી કરાઈ ન હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો આક્ષેપ : લોકો દુર દુર સુધી ધક્કા ખાવા મજબૂર
ભાવનગર, તા.૨૮
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે બનાવેલા ત્રણ હેલ્થ સેન્ટરો ઘૂળ ખાઈ રહ્યા છે. રૂવા, નારી અને કુંભારવાડામાં આવેલા હેલ્થ સેન્ટરો સાધન, ફનીચરો તથા સ્ટાફના અભાવને કારણે હજુ સુધી શરૂ થયા નથી.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રુવા ગામે રૂપિયા ૩ કરોડના ખર્ચે સી.એચ.સી સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોની આરોગ્ય સુખાકારી માટે બનાવેલા સી. એચ. સી સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે. રુવા ગામે ૩૦ બેડની હોસ્પિટલ માટે બિલ્ડીંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હાલ સાધનો અને સ્ટાફ વગર આ હોસ્પિટલ ધૂળ ખાઈ રહ્યું છે.
ભાવનગર શહેર નજીક આવેલા રૂવા ગામે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો બે વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. જે બાદ આજ દિન સુધી તાળા લાગેલા છે. કોરોના મહામારી અને અન્ય રોગચાળો વધવા છતાં મહાનગરપાલિકાના સત્તાધિશો લોકોને આરોગ્યની સેવા આપવામાં નિરાશા જોવા મળ્યું છે. માત્ર સ્ટાફ અને સામાનના અભાવે બે વર્ષથી બનીને તૈયાર પડેલું અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને તાળા લગાવવામાં આવ્યાં છે. રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે ૩૦ બેડની સુવિધા સાથે આ હેલ્થ સેન્ટર બે વર્ષ પહેલાં બનીને તૈયાર થઈ ગયું છે. છેલ્લા બે વર્ષથી રુવા આરોગ્ય હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું નથી. જેના લીધે રુવા ગામના લોકોને શહેર સુધી આરોગ્ય સુવિધા માટે ધક્કા ખાવા પડે છે. ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામને મહાનગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે આધુનિકરણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવી આપવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા ૧૦ મહિનાથી ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કર્યા બાદ હજી સુધી શરૂ થયું નથી. નારી ગામે બનાવવામાં આવેલુ આ આધુનિક હેલ્થ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. લોકોના આરોગ્ય માટે બનાવેલા આધુનિક હેલ્થ સેન્ટરને હાલ તાળા લાગ્યાં છે. શહેર નજીક આવેલા નારી ગામનો પાંચ વર્ષ પહેલા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો હતો. આ નારી ગામે પાંચ વર્ષ વીતવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પાયાની સુવિધા આપવામાં આવી નથી. નારી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરી અને નવા અર્બન હેલ્થ સેન્ટરને ઉભુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને લઇને નારી ગામના લોકોને ૧૦ કિલોમીટર દૂર ભાવનગર સુધી આરોગ્ય સેવાઓ માટે જવું ન પડે. પરંતુ નારી ગામે બનાવવામાં આવેલા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ૧૦ મહિના પહેલા ધારાસભ્ય જિતુ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ પણ હજુ સુધી શરૂ કરવામાં ન આવતા લોકોને ભાવનગર સુધી આરોગ્યની સેવાઓ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આરોગ્ય સેવાઓથી વંચિત નારી ગામ ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાનો વોર્ડ હોવા છતાં લોકો માટે જરૂરી એવી આરોગ્ય સેવા માટે લોકોને આમ તેમ ફાંફા મારવા પડે છે. ભાવનગર સુધી ધક્કા ખાવા પડે છે અને જેમાં પણ ભાવનગરના દેસાઈ નગર ખાતે ઓવર બ્રીજનું કામ શરૂ હોવાથી ૧૦૮ જેવી ઈમરજન્સી સેવા સમયે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, રુવા, નારી તથા સુભાષનગર અને તેની આસપાસના લોકોની આરોગ્ય સુખાકારી માટે બનાવેલા આ હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ અહીં આરોગ્ય લક્ષી કોઈ સુવિધા ઉભી કરાઈ નથી. આ હોસ્પોટલનું બિલ્ડિંગ તૈયાર છે પરંતુ અહીં જરૂરિયાતના સાધનો કે સ્ટાફનો અભાવ છે. જેથી આ હોસ્પિટલ બિન ઉપયોગી પડ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કોરોના સમયે આ હોસ્પિટલ તૈયાર હતું, પરંતુ સાધનો અને સ્ટાફના અભાવે શરૂ કરવામાં આવ્યું ન હતું. જેથી અનેક લોકો આરોગ્યસેવાથી વંચીત રહ્યા હતા. ભાજપે માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા જ લોકાર્પણ કર્યું હતું. ભાવનગર મનપા દ્વારા કરોડોના ખર્ચે બિલ્ડીંગ ઉભું કરી નાખ્યાં બાદ કોઈ નક્કર આયોજન નહિ થતા અને સ્ટાફની ભરતી તથા સાધનોની ખરીદી નહિ કરતા હોસ્પિટલ બિલ્ડીંગ ધૂળ ખાઈ રહ્યા છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિતિના ચેરમેન ધીરુ ધામેલીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં ત્રણ જગ્યાએ સી એચ સી સેન્ટરો બનાવવામાં આવ્યાં છે. જેમાં કુંભારવાડા, નારી અને સુભાષનગર ત્રણેય સેન્ટરો થઈ ૯૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી અને તેના મત વિસ્તારમાં આવતા બે સી.એચ.સી સેન્ટરો ખાતે સાધનો તથા ફનીચર માટે ૫-૫ લાખની ગ્રાન્ટ આપી છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે સુભાષનગર ખાતે સી.એચ.સી સેન્ટરો ખાતે સાધનો તથા ફનીચર માટે ૫ લાખની ગ્રાન્ટ આપી છે અને ટુંક સમયમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

Previous articleશાળાઓ શરૂ થતાંની સાથે જ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ધરખમ વધારો
Next articleઠંડી શરૂ થતા તિબેટીયનો રાજીનાં રેડ