કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે ઓમિક્રોનને લઈને બધા રાજ્યોને પત્ર લખતા તે બધાને સર્વેલાન્સ વધારવાનો નિર્દેશ આપ્યો
નવી દિલ્હી, તા.૨૮
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં મળવા અને ત્યારબાદ તેના કેસ અન્ય દેશોમાં સામે આવ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. તો સરકાર તરફથી તેના પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખતા તે બધાને સઘન નિવારણ કરવા, સર્વેલન્સના પગલાં વધારવા અને કોરોના રસીકરણને વધુ તીવ્ર બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. કોરોનાના નવા વેરિએન્ટના ડર વચ્ચે એક દિવસ પહેલા શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ઢીલ આપવા વિશે સમીક્ષા કરવા સહિત કોરોના વેક્સીનેશન અને કોવિડ સ્થિતિ પર ચર્ચા કરી હતી. તો કોરોનાા નવા વેરિએન્ટને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આજે સાંજે બેઠક બોલાવી છે. એક દિવસ પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જાહેરાત કરી હતી કે દક્ષિણ આફ્રિકી દેશોથી આવનાર કોરોના પોઝિટિવ આવશે તો તેનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કોરોના પર જે ટાસ્ક ફોર્સ બનાવી છે તેણે દક્ષિણ આફ્રિકાથી આવનાર યાત્રીકોને ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવાની સલાહ આપી છે. મહારાષ્ટ્ર સરકાર તે પણ ઈચ્છે છે કે દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લાગે. આ બેઠકમાં ડિવિઝનલ કમિશ્નર અને કલેક્ટર સામેલ થશે. જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે રાજ્ય સરકાર કેન્દ્રને તે રજૂઆત કરવાની છે કે આફ્રિકી દેશોથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લાગે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઠાકરેની તબિયત ખરાબ છે પરંતુ તેમણે હોસ્પિટલથી ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો.