તું મારી સામે કાતર કેમ મારે છે તેમ કહી બે શખ્સોએ અન્ય શખ્સોને માર માર્યો
ભાવનગરના રાણીકા વિસ્તારમાં સામાન્ય બાબતે યોવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા સી-ડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, આ ઘટનાને લઈ સી. ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ સમગ્ર બનાવ અંગે શહેરના સી-ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રાણીકા વિસ્તારમાં રહેતો ચિરાગ ઉર્ફે રામો રાઠોડ તથા તેના મિત્રો વિશાલ તથા રાહુલ રાણીકા વિસ્તારમાં એક પાનનાં ગલ્લે માવો ખાવા ઉભા હતા. આ દરમિયાન આ વિસ્તારમાં જ રહેતો તાહીર રફીક શેખે ચિરાગને જણાવ્યું કે, તું મારી સામે કાતર કેમ મારે છે આથી વિશાલે કહ્યું કે, હું કાતર નથી મારતો. જોકે, તેમ છતાં ઉશ્કેરાયેલા તાહિરે ચિરાગને અપશબ્દો બોલી માર માર્યો હતો.
આ દરમિયાન મિત્રો વચ્ચે પડતા તેને પણ તાહીર તથા તેના ભાઈ ઝફરે આવી માર માર્યો હતો. ગલ્લા ધારક વચ્ચે પડી દરમિયાનગીરી કરી હતી. ત્યારે આ સમાચાર વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં બે જૂથો સામ સામે આવી ગયા હતા અને બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેને લઈ માહોલ તંગ બન્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતા સી-ડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરીસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ અંગે ચિરાગે તાહીર રફીક શેખ તથા તેના ભાઈ ઝફર વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.