ખોડિયાર મંદિર નજીક ક્રેઇને બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત

102

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો યુવાન ખોડિયાર મંદિરે લાપસી કરીને પોતાની મંગેતરના ઘરે જઇ પરત આવી રહ્યો હતો તે વેળાએ રાજપરા ખોડિયાર મંદિર નજીકમાં રોંગ સાઇડમાં આવી રહેલી ક્રેઇને બાઇકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના કાળિયાબીડમાં રહેતા કિશનભાઇ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) નામનો યુવાન પોતાનું બાઇક લઇ રાજપરા ખોડિયાર મંદિર ખાતે લાપસી કરવા ગયા હતાં. માતાજીની લાપસી કરી બાદમાં જુના સિહોર ખાતે તેમની મંગેતરના ઘરે ગયા બાદ કિશનભાઇ મોડી સાંજના સમયે સાસરીએથી પરત ભાવનગર આવવા નીકળ્યા હતાં. દરમિયાનમાં રાજપરા ખોડિયાર નજીક રામાપીરના મંદિર પાસે પહોંચતા ભાવનગર તરફથી આવી રોંગ સાઇડમાં આવી રહેલ ક્રેઇને બાઇક સાથે અકસ્માત સર્જતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleશહેરમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો
Next articleમગફળીની ૪૦ હજાર બોરીથી માર્કેટ યાર્ડ છલકાયું