મગફળીની ૪૦ હજાર બોરીથી માર્કેટ યાર્ડ છલકાયું

93

હવે નવી સુચના ન મળે ત્યાં સુધી ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળી લાવવા પર પ્રતિબંધ
સમગ્ર જિલ્લામાં મગફળીની આવક થવા પામી છે અને તેનો ઉતારો કરી ખેડુતો વેચાણર્થે જિલ્લાના વિવિધ યાર્ડમાં લઈ જઈ રહ્યા છે ત્યારે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો ભરાવો થયેલો હોય હમણા મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ ગઈકાલે રવિવારે બપોરે ૩ થી આજે સોમવારે સવારે ૭ વાગ્યા સુધી મગફળી લાવવાની ખેડુતોને છુટ અપાતા જિલ્લાભરના ખેડુતો તુટી પડ્યા હતા અને વાહનો મારફત મગફળીઓનો ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ખડકલો કરી દીધી હતો. ભાવનગર માર્કેટ યાર્ડમાં હાલમાં મગફળીની બોરીઓનો ભરાવો થઈ જતા નવી આવક પર પ્રતિબંધ મુકાયેલ અને ગઈકાલથી આજે સવાર ૧૬ કલાક સુધીમાં મગફળી વેચાણ માટે લાવવા ખેડુતોને સુચના અપાયેલ જેના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મગફળી વેચવા માટે ખેડુતો વાહન મારફતે તુટી પડ્યા હોય તેવા દ્રશ્યો થયા હતા અને એક જ રાતમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ૪૦ હજાર બોરીઓ ખડકી દીધી હતી. પરિણામે માર્કેટ યાર્ડ મગફળીની બોરીઓથી છલકાય જવા પામ્યુ છે. હવે નવી સુચના ન મળે ત્યાં સુધી મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યાર્ડના ઈન્ચાર્જ સેક્રેટરી દોલુભાઈ રોયલાએ જણાવ્યું હતું કે દરરોજની ૩૫૦૦ થી ૪૦૦૦ મગફળીની બોરીઓની હરરાજી થઈ રહી છે જેના કારણે હવે ૮ થી ૧૦ દિવસ સુધીનો સ્ટોક થઈ જવા પામ્યો છે આથી હવે લગભગ ૮ દિવસ સુધી તો ખેડુતોને નવી મગફળી લાવવા દેવામાં આવશે નહી. આમ ફરીથી ભાવનગર માર્કેટ યાર્ડ મગફળીની બોરીઓથી છલકાઈ જવા પામ્યુ છે.

Previous articleખોડિયાર મંદિર નજીક ક્રેઇને બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત
Next articleપાલિતાણામાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા