રસી લઈ ચૂકેલા પણ થઈ શકે સંક્રમિત : ઓમીક્રોન વેરિયંટ સામે મોનોક્લોનલ એન્ટીબોડી થેરપી અથવા કોકટેલ ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ જઈ શકે છે, ડેલ્ટા પ્લસ બાદ ઓમીક્રોન બીજો વેરિયંટ છે
હૈદરાબાદ,તા.૨૯
કોરોનાના નવા વેરિયંટ મ્.૧.૧.૫૨૯ (ઓમીક્રોન)ને દુનિયાભરમાં દહેશતનો માહોલ ઊભો કર્યો છે. રોજરોજ તેના વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમીક્રોન વેરિયંટ સામે મોનોક્લોનલ એન્ટીબોડી થેરપી અથવા કોકટેલ ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ જઈ શકે છે. દક્ષિણ આફ્રિકા અને અન્ય વિસ્તારો જ્યાં આ નવો વેરિયંટ ફેલાયો છે તેના પ્રાથમિક વિશ્લેષણ પરથી નિષ્ણાતોનું માનવું છે કે, ઓમીક્રોન ૬ ગણી વધુ ઝડપથી ફેલાવાની (આર વેલ્યૂ) ક્ષમતા ધરાવે છે. ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ કરતાં છ ગણી વધુ ઝડપથી ઓમીક્રોનનું સંક્રમણ ફેલાય છે. આ વેરિયંટ રોગપ્રતિકારક શક્તિને નષ્ટ પણ કરી શકે છે. ઉપરાંત રસી લઈ ચૂકેલા લોકો પણ આનાથી સંક્રમિત થઈ શકે છે. ગંભીર સંક્રમણ અને ઊંચા મૃત્યુદર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ પર મોનોક્લોનલ એન્ટીબોડી થેરપી અસરકારક છે. જોકે, તેના બીજા પ્રકાર ડેલ્ટા પ્લસ પર આ થેરપીની અસર થતી નથી.