સ્થાનિક લોકોની અનેક રજૂઆતો બાદ પણ સમારકામ પૂર્ણ ના થતા લોકોમાં રોષ
ભાવનગર સીદસર ગામ પાસે આવેલ પુલ જર્જરિત બન્યા બાદ સ્થાનિક લોકો દ્વારા આ અંગે કોર્પોરેશનમાં અનેકવાર રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી પુલનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરના સીદસર ગામ પાસે માલેશ્રી નદી પર આવેલ વર્ષો જૂનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી કોઇ મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પુલ પરથી હજારો વાહનોની અવર-જવર થતી હોય છે અગાઉ આ પુલ પરથી અનેક વાર પોપડા પડી ગયા હોવાના દાખલા પણ છે, આ અંગે અનેકવાર કોર્પોરેશનના રોડ વિભાગમાં રજૂઆત પણ કરવામાં આવેલ છે નજીકમાં આવેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પુલ પરથી પસાર થાય છે, પરંતુ તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તે રીતે નજર અંદાજ કરી રહ્યું છે.
ભાવનગર શહેરમાં આવેલ સીદસર ગામ નજીક બોરતળાવ કેનાલની પર વર્ષો પહેલા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ભાવનગર શહેરની અંદર પ્રવેશવા માટે આ પુલ પરથી પસાર થવું પડે છે આ પુલ પર સેંકડો વાહનોની અવરજવર થતી હોય છે, સીદસર ગામ નજીક બાયપાસ પુલ પરથી અલંગ તરફ જવાનો પણ મુખ્ય માર્ગ છે, સ્થાનિક લોકો દ્વારા અને માર્ગ પરથી પસાર થતા ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલનું કામ રીપેરીંગ કરવામાં આવે અન્યથા નજીકમાં નવા પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયરને પૂછતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ પુલ નું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પુલનું કામ શરૂ કરવામાં આવશે.