બીજા દિવસે સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહમાં હંગામો

89

૧૨ સાંસદને સસ્પેન્ડ કરવાનો મુદ્દો ગુંજ્યો : પોતાના આચરણ બદલ સાંસદો માફી નહી માગે ત્યાં સુધી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવેઃ વૈંકેયા
નવી દિલ્હી, તા.૩૦
સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં હંગામો ચાલુ રહ્યો છે.લોકસભામાં નવા સાંસદોએ ભારે બૂમાબૂમ વચ્ચે શપથ લીધા હતા. રાજ્યસભામાં કોંગ્રેસે ૧૨ સાંસદોના સસ્પેન્શનનનો મુ્‌દ્દો ઉઠાવ્યો હતો.કોંગ્રેસના નેતા મલિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, આ ઘટના તો સંસદના ગયા સત્રમાં બની હતી અને આ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કેવી રીતે કરી શકાય. સસ્પેન્શન પાછુ ખેંચાવુ જોઈએ.તેના પર રાજ્યસભા અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ કહ્યુ હતુ કે, સસ્પેન્શનનો નિર્ણય ગૃહનો છે.મારો નહીં.૧૦ ઓગસ્ટે અમે હંગામો કરી રહેલા સાંસદોને તેમની સીટ પર જવા માટે કહ્યુ હતુ. દરમિયાન વૈંકેયા નાયડુએ એમ પણ કહ્યુ હતુ કે, જ્યાં સુધી પોતાના આચરણ બદલ સાંસદો માફી નહી માંગે ત્યાં સુધી તેમનુ સસ્પેન્શન પાછુ ખેંચવામાં નહીં આવે.નાયડુએ આજે સસ્પેન્શન પર હંગામો કરી રહેલા સાંસદોને પણ તેમના પર કાર્યવાહી કરવાની વોર્નિંગ આપી હતી. દરમિયાન લોકસભામાં પણ હંગામા બાદ બે વાગ્યા સુધી લોકસભાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભાના ૧૨ વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાશે નહીં. સસ્પેન્શન પાછું ખેંચવાની વિપક્ષની માંગ પર અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે સાંસદો પસ્તાવો કરવાને બદલે તેમના કાર્યોને સાચા ઠેરવી રહ્યા છે. તેથી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભાના ૧૨ સભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ગત સત્રમાં પણ ખેડૂતોના આંદોલન અને અન્ય પ્રશ્નોના બહાને ગૃહમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નિયમોને ટાંકીને કહ્યું હતું કે સાંસદોના સસ્પેન્શન માટે કોઈ કારણ નથી, તેથી તેમના સસ્પેન્શનનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. ખડગેએ વિપક્ષના તમામ ૧૨ સાંસદોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે અધ્યક્ષ પાસે પરવાનગી માંગી હતી. ત્યારબાદ અધ્યક્ષે વિપક્ષને કહ્યું હતું કે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહીં પરંતુ ગૃહની છે.
સંસદીય નિયમોની કલમ ૨૫૬ ની પેટા કલમ ૨ નો સંદર્ભ આપીને તેમણે કહ્યું હતું કે ૨૫૬(૨) કહે છે કે ગૃહમાં કોઈપણ સભ્ય અથવા ઘણા સભ્યોના અસહ્ય વર્તન પર, અધ્યક્ષ આવા સભ્ય અથવા સભ્યોના નામ ગૃહ સમક્ષ મૂકશે કે શું આ સભ્યો વિરુદ્ધ કાર્યવાહી માટે પ્રસ્તાવ મૂકવો જોઈએ કે નહીં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયા