કૃષિ કાયદા પાછા ખેંચાવા છતાં આંદોલન જારી : આંદોલનમાં ફાટફૂટ પડાવવાની કોશિશ કરી રહી છે સરકાર, ખેડૂતો ઘરે પાછા નથી જવાનાઃ રાકેશ ટિકૈત
નવી દિલ્હી, તા.૩૦
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા બાદ પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનમાં કોઈ મતભેદો નથી.આ ખોટા અહેવાલો છે.આ આંદોલન માત્ર પંજાબનુ નહીં પણ આખા દેશનુ છે.આંદોલન સ્થળે જો કોઈ અઘટિત બનાવ બનશે તો તે માટે સરકાર જવાબદાર હશે.ખેડૂતો પોલીસ કેસ સાથે ઘરે પાછા નહીં ફરે. દરમિયાન એવા અહેવાલ રહ્યા છે કે પંજાબના ખેડૂતો હવે ઘરે પાછા ફરવા માંગે છે.તેના પર ટિકૈતે કહ્યુ હતુ કે, કોઈ ઘરે જઈ રહ્યુ નથી.આંદોલન તોડવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે.પાંચ ડિસેમ્બર સુધીમાં રિઝલ્ટ આવી જશે.કોઈ ખેડૂતોને સમજાવવાની જરુર નથી.કારણકે કોઈ ઘરે પાછુ ફરવાનુ નથી. તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતો પર કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી મોરચા હટવાના નથી.સરકાર સમક્ષ અમે જે માંગો મુકી છે તેનો જવાબ આપવામાં સરકાર સમય લગાડશે.જોકે ૧૦ ડિસેમ્બર પછી સરકાર લાઈન પર આવી જશે.
ટિકૈતે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ભારત સરકાર વાતચીત કરે, ખેડૂતો પરના કેસ પાછા ખેંચાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.