ભાવનગરમાં ટ્યુશનમાં જઈ રહેલા વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત

140

અકસ્માતને પગલે લોકોમાં રોષ, ટ્રક ચાલક વાહન મુકી ફરાર પોલીસે નાસી છુટેલા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા
ભાવનગરમાં ટ્રક ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે. જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કુંભારવાડાથી મોતીતળાવ જવાનાં રોડપર ઘરેથી સાઈકલ લઈને ટ્યુશનમાં જઈ રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો મિતુલ ઉર્ફે મિત જીતેન્દ્રભાઈ સેજુ દરરોજના ક્રમ મુજબ આજે સવારે પોતાના ઘરેથી સાઈકલ લઈને કોચિંગ કલાસમાં જવા નિકળ્યો હતો. આ દરમિયાન કુંભારવાડા-મોતીતળાવ રોડપર એક ટ્રક ચાલક પૂર વેગે આવતાં ટ્રક ચાલકે સાઈકલ સવાર મિતુલ ઉર્ફે મિતને અડફેટે લીધો હતો. ત્યારે આ અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા અને ટ્રક ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ટ્રક ચાલક આ અકસ્માતને પગલે રોડપર એકઠી થયેલી ભીડ તથા લોક રોષને જોઈ પોતાનું વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો. જયારે રાહદારીઓએ ઈજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન આ હતભાગીને કોઈ તબિબી સારવાર મળે એ પૂર્વે વિદ્યાર્થીએ રસ્તામાં જ દમ તોડ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સગીરના મૃતદેહને પોસ્ટોમોર્ટમ અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસે નાસી છુટેલા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતાં.

Previous articleઘોઘા ખાતે જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડોમ તુટતા લોકોમાં અફરા તફરી મચી
Next articleવિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે ભાવનગરમાં સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ દ્વારા રેલીનું આયોજન કરાયું