સહકારી ચૂંટણી લડવા પર વિપુલ ચૌધરી પર અંતે બ્રેક

942
guj1152018-5.jpg

ગુજરાતભરમાં જબરદસ્ત ચકચાર જગાવનારા પશુદાણ કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક બહુ મહત્વના ચુકાદા મારફતે રાજયના પૂર્વ ગૃહમંત્રી અને પશુદાણ કેસમાં સંડોવણી ધરાવતા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોઇપણ સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ હુકમ સાથે જ હાઇકોર્ટે ચકચારભર્યા પશુદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી પાસેથી રૂ.૪૨ કરોડ વસૂલવાનો પણ આદેશ કર્યો છે. આ હુકમને પગલે વિપુલ ચૌધરીને ગુજરાત હાઇકોર્ટમાંથી બહુ મોટો ઝટકો મળ્યો છે, તો સાથે સાથે હાઇકોર્ટના આ ચુકાદાને લઇ સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, ચૌધરી દ્વારા ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં પિટિશન કરવાની વિચારણા ચાલી રહી છે. ચુકાદાના અભ્યાસ અને કાયદાકીય નિષ્ણાતોના અભિપ્રાય બાદ ચૌધરી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારે તેવું મનાઇ રહ્યું છે. ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમયે મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને રૂ. ૨૨.૫૦ કરોડનું પશુદાણ આપવામાં અનિયમિતતા, સાગર ડેરીમાં રૂ. ૨.૦૬ કરોડના માલના સ્ટોકમાં ગેરરીતિ અને ખાંડની ખરીદીમાં રૂ. ૧૭.૨૬ કરોડની ગેરરીતિ એમ કુલ રૂ. ૪૧.૮૩ કરોડની અનિયમિતતા આચરી હોવા સહિતના કેટલાક ગંભીર આરોપ વિપુલ ચૌધરી પર લાગ્યા હતા.  કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને કૌભાંડને લઇ રાજય સરકારે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ ચૌધરીને કારણદર્શક નોટિસ ફટકારી તેમની પાસેથી કૌભાંડની રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

સરકારની આ કાર્યવાહીને વિપુલ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી, જેની સુનાવણી બાદ હાઇકોર્ટે ચૌધરીને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. વિપુલ ચૌધરી પાસેથી સહકારી કાયદાની કલમ -૯૩ હેઠળ રૂ. ૪૨ કરોડની વસુલાત માટે સરકારે કાર્યવાહી હાથ ધરી હતી, તેન ેપણ ચૌધરીએ પડકારી હતી પરંતુ હાઇકોર્ટે તેમાં પણ કોઇ રાહત નહી આપતાં હવે સરકાર માટે વિપુલ ચૌધરી પાસેથી રૂ.૪૨ કરોડ વસૂલવાનો માર્ગ મોકળો બન્યો છે. હાઇકોર્ટે સરકારના કલમ-૯૩ હેઠળ દોષિત વ્યક્તિને કોઈ પણ સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને પણ બહાલ રાખ્યો હતો, જેથી વિપુલ ચૌધરી હવે કોઇપણ સહકારી ક્ષેત્રની ચૂંટણી લડી શકશે નહી અને તેમના  સહકારી ક્ષેત્રના ભાવિ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જવાનો ખતરો તોળાયો છે. ઉલ્લેખનીય છે કે,  વર્ષ ૧૯૯૫માં જ્યારે ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા.આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતાં વિવાદો અને પશુદાણ કૌભાંડ સહિતની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને લઇ તેમને પોતાના બંને પદ પણ ગુમાવવા પડ્‌યા હતા, ત્યારે હાઇકોર્ટનો આ ચુકાદો ચૌધરી માટે બહુ મોટા ઝટકા સમાન છે.

Previous articleબિટકોઇન કેસમાં કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત બની ચુકી
Next articleધોરણ-૧૨ સાયન્સનું ૭૨.૯૯ ટકા રિઝલ્ટ