જશોનાથ ચોકથી હલુરીયા ચોક સુધી યોજાયેલી રેલીમાં યુવાઓએ જનજાગૃતિનો પ્રચાર કર્યો
વિશ્વ HIV-એઈડ્સ દિવસ નિમિત્તે લોકોમાં આ રોગ સંદર્ભે જાગૃતિ લાવવા માટે ભાવનગરમાં સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ તથા સરદાર પટેલ સામાજિક સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિશ્વમાં લાખો લોકો HIV એઈડ્સનો ભોગ બને છે અને સેંકડો લોકો આ રોગને પગલે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આથી આ વ્યાધિ સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે અને આ મહા-જીવલેણ રોગથી બચી શકે એ માટે દરવર્ષે 1 ડીસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકોને આ રોગ સંદર્ભે જાગૃત કરવાનું કામ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આવી જ એક સંસ્થા ભાવનગર શહેરમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા સાથે વિવિધ ક્ષેત્રે જનજાગૃતિ લાવવાનો ઉમદા પ્રયત્ન કરી છે. આજરોજ સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ તથા સરદાર પટેલ સેવા ટ્રસ્ટનાં ઉપક્રમે વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થામાં સેવારત યુવક યુવતીઓ તથા હોદ્દેદારો શહેરના જશોનાથ સર્કલ ખાતે એકઠાં થયા હતા અને અત્રેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી શહેરના હલુરીયા ચોક સુધી યોજવામાં આવી હતી અને રેલી દરમ્યાન યુવાઓએ એઈડ્સ સંદર્ભે જનજાગૃતિ પ્રચાર કર્યો હતો.