આ વર્ષની થીમ “વિજ્ઞાન અને ઇનોવેશનમાં જિજ્ઞાસા રહેશે : ચર્ચાઓ થશે
સી.એસ.આઈ. આર.-સી.એસ.એમ.સી.આર.આઈ. દ્વારા ગત તા. ૩૦ નવેમ્બર નાં રોજ સંસ્થા ખાતે હાઇબ્રિડ ( ઓનલાઇન અને ઓફ્લાઈન) માધ્યમથી ૭મા ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ૨૦૨૧ ના પ્રી-ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ તા. ૧૦ થી ૧૩ ડિસેમ્બર ના રોજ પણજી, ગોવામાં યોજનારા ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF 2021)ને લોકપ્રિય બનાવવાનો તથા આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. આ વર્ષની થીમ “વિજ્ઞાન અને ઇનોવેશનમાં જિજ્ઞાસાને પ્રેરિત કરવા અને શિક્ષણને વધુ લાભદાયી બનાવવા માટેનો છે”. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત તથા ભારતભરમાંથી વિવિધ સંસ્થાનના સદસ્યો તથા સ્કૂલ ના શિક્ષકગણ, વિદ્યાર્થીમિત્રો MS-TEAMS ના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સવારના ૧૦ઃ૩૦ કલાકે શરૂ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ ડો. આર. વી. ઉપાધ્યાય, પ્રોવોસ્ટ, ચારૂસેટ યુનિવર્સિટી, તથા સેન્ટ્રલ સોલ્ટનાં ડાયરેક્ટર ડો. કન્નન શ્રીનિવાસન, સિનિયર મોસ્ટ સાયંટિસ્ટ ડો. બિશ્વજિત ગાંગુલી, પ્રિન્સિપાલ સાયંટિસ્ટ ડો. ડી. આર. ચૌધરી, સંસ્થાના વૈજ્ઞાનિકો ડો. મોનિકા કાવલે તથા બિપિન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો. ચૌધરીએ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અલગ અલગ ૧૨ કાર્યક્રમોને વડાપ્રધાન નરેંદ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ નક્કી કરેલ છે, જેવા કે નવા ભારત માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી યોજના, સ્વતંત્રતા સંગ્રામને લગતા વિચાર તથા આત્મનિર્ભર ભારત બનવા માટેની યોજનાઓ. સંસ્થાના ડાયરેક્ટર ડો. કન્નન શ્રીવાસને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ દરેક સદસ્યોનું અભિવાદન કર્યું. તથા તેમણે જણાવ્યુ હતું કે આ સાયન્સ ફેસ્ટિવલ માં કુલ ૦૫ પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યુ કે ભારત એ ઉત્સવોનો દેશ છે. ઉત્સવ એ સમાજના દરેક વ્યક્તિને જોડતી કડી છે. તેમણે જણાવ્યુ કે વિજ્ઞાનને એક ઉત્સવ તરીકે ઉજવવું એ વિદ્યાર્થીઓ, સંશોધનકારો, ઇનોવેટર્સ, કલાકારો અને જાહેર જનતાને એક સાથે લાવવાનું દેશનું સૌથી મોટું એક પ્લેટફોર્મ છે.