શહેરમાં ફરી એકવાર સુર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સવારથી મોડીસાંજ સુધી આકાશમાંથી અંગારા વરસાવતા શહેર ફરી એકવાર ધગધગતી ભઠ્ઠી બન્યું છે. તાપમાન ૪૩ ડિગ્રીને પાર થતા જાહેર જીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
આજથી એકાદ સપ્તાહ પૂર્વે વર્તમાન વૈશાખ માસનો અસલ મિજાજ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાં ભાવનગરનું રેકોર્ડબ્રેક તાપમાન ૪૪ ડિગ્રીને પાર થઈ જતા કાળઝાળ ગરમીને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતુું. જો કે ત્યારબાદ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થયો હતો અને તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ રહ્યું હતું. જો કે એક સપ્તાહના વિરામ બાદ આજરોજ ફરી એકવાર તાપમાનનો ગ્રાફ ઉચો જવા પામ્યો છે. આજે ર૪ કલાક પૂર્ણ થતા ભાવનગરનું તાપમાન હવામાન કચેરી ખાતે ૪૩.૦૧ ડિગ્રી થઈ જતા શહેરીજનો વહેલી સવારે બફારા સાથે મોડીસાંજ સુધી ગરમ લૂના મોજા અને તિવ્ર તાપમાં બરાબરના શેકાયા છે. આવા તાપના કારણે બપોરે ૧ર કલાકથી સાંજના ૪ વાગ્યા સુધી જાહેર માર્ગો પર કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી. નાના-મોટા તમામ વિસ્તારોના રોડ રસ્તાઓ સુમસામ સાથોસાથ એકલ દોકલ વ્યક્તિઓ માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. મધ્યાંતર સમયે લોકો તથા પશુપંખીઓએ જ્યા આશ્રમ છાંયડો પ્રાપ્ત થયો ત્યાં જ સમય પસાર કરવામાં પોતાનું હિત માન્યું હતું. આજે ગરમ ભઠ્ઠી જેવા માહોલ વચ્ચે અંગ દઝાડતો તાપથી સૌ કોઈ ત્રસ્ત બન્યા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા સાથોસાથ ર૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લૂ ફેકાઈ હતી.
આવા બળબળતા માહોલ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે, મે માસનાં ઉત્તરાર્ધ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન ૪૦ થી ૪પ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે અને જૂન માસના પ્રારંભ બાદ પ્રથમ સપ્તાહથી આકાશ વાદળછાયુ બનવા સાથે તાપમાનમાં ઘટાડો થશે જો કે આવી તમામ બાબતો વચ્ચે પણ રાજ્ય સરકાર કે તંત્ર દ્વારા ગરમી સંબંધી એલર્ટ જાહેર ન કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ભાવનગર શહેર-જિલ્લામાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈને લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને કુદરતને વધુ ક્રુર ન બનવા પ્રાર્થનાઓ પણ કરી રહ્યાં છે. આમ ૪૩ ડિગ્રી તાપમાન પાર થતા શહેર-જિલ્લામાં કુદરતની સ્વયંભુ સંચારબંધી જોવા મળી રહી છે.