ઘોઘાનો દરિયો બન્યો તોફાની, ઘોઘાના દરિયાકિનારે 3 ફૂટ મોજા ઉછળ્યાં

176

દરીયા કિનારે તિવ્ર ગતિએ પવન ફૂંકાયો, રો-પેક્સ ફેરી સેવાનું સિગ્નલ તૂટીને તણાયું
ભાવનગરમાં નવેસરથી ચોમાસાનો પ્રારંભ થયો હોય એવો માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી વરસાદ સાથે હાડ થીંજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ઘોઘાના દરિયાકાંઠે 3થી 4 ફૂટ મોજા ઉછળી રહ્યા છે, વિશાળ સમુદ્રમાં હેવી કરંટ જોવા મળી રહ્યો હોવાનું દરિયો ખેડતા સાગરખેડૂઓ જણાવી રહ્યાં છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની સૌથી વધુ અસર સમુદ્રી તટવર્તિય વિસ્તારોમાં જોવા મળી રહી છે, ગુજરાતના સૌથી લાંબો દરીયા કિનારો ભાવનગર જિલ્લામાં આવેલો છે. છેલ્લા બે દિવસથી ખરાબ હવામાનની અસર દરિયો બયાન કરી રહ્યો છે. ભાવનગરનો દરિયો છેલ્લા ત્રણ દિવસથી અત્યંત રફ બન્યો છે. હાલના શિયાળામાં દરિયામાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે.

ગઈ કાલે રાત્રે ઘોઘા, કુડા, કોળીયાકના દરિયા કિનારે ફૂંકાયેલા ભારે પવનને કારણે રો-પેક્સ ફેરી સેવાનું સિગ્નલ સમુદ્રમાં પડ્યું હતું. આ સિગ્નલ તણાઈને પ્રથમ કોળીયાક નિષ્કલંક મહાદેવ પાસે ત્યારબાદ કુડા ચરફ તણાઈને આવ્યું હતું. ભારે પવનને કારણે આજે તેરસ તિથિએ દરિયામાં ભારે ભરતી આવી છે. વધુમાં સુત્રોએ જણાવ્યું છે કે, ભાવનગરની ખાડીમાં દહેજ-હજીરા સમુદ્રી રક્ષક દળની સ્પીડ બોટ પેટ્રોલીંગ કરી રહી છે. તેમજ સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ રહી છે સાથે બોટોને પણ નજીકના બંદરગાહ પર લાંગરી દેવા સુચના આપવામાં આવી છે. સાગર ખેડૂત મુકેશ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ જે ભર શિયાળમાં પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય છે, જેથી માછીમારી કરતા ભાઈઓની બોટો 4-5 પાછી આવી ગઈ છે. તેમજ 4થી 5 બોટો હજુ બાકી છે એ પણ સુરક્ષિત છે. સ્થાનીક માછીમારોને તંત્ર દ્વારા કોઈપણ જાણ કરવામાં આવી ન હતી, ઘોઘા બંદર ખાતે પણ કોઈપણ જાતના સિગ્નલ લગાવવામાં આવ્યાં નથી. સિગ્નલના કારણે માછીમારોને ખબર પડતી હોય છે કે દરિયો ખેડવો જોઈએ કે નહીં.

Previous articleભાવનગરમાં કમોસમી વરસાદની સાથે પવનના સુસવાટા, પતરા અને બેનરો ઉડ્યા
Next articleભાવનગર જિલ્લા સાધુ સમાજના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની પસંદગી