વિદ્યાર્થીઓના હદયમાં વિકલાંગો પ્રત્યે સંવેદના જગાડવા “કેવી હશે ! એ શાળા, એવું થતું મુજ મનમાં” નિબંધ સ્પર્ધાનું આયોજન
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને ક?ષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક, માધ્યમિક તેમજ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓના હદયમાં વિકલાંગો પ્રત્યે સંવેદના જગાડવા “કેવી હશે ! એ શાળા, એવું થતું મુજ મનમાં” નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રજ્ઞાચક્ષુ બાળકોનું શિક્ષણ, જેમાં બ્રેઇલ લેખન વાંચન અષ્ટકોણ ખિલાની મદદથી ટેલર ફ્રેમ પર ગણિતના દાખલા ગણવાની રીત, સ્ક્રીન રિડર સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ જેવી જાણકારી આપી વિદ્યાર્થીઓને નિબંધ લખવા પ્રશ્નાવલી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ પોતાની અસરકારક રજુઆત કરી શકે એટલે શાળાના પટાંગણમાં એલઈડી સ્ક્રિન પર નેત્રહીનોની અન્ય કલાઓ દર્શાવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ વિવિધ ઉદાહરણો આપી નિબંધના મુદ્દાઓની વિગતે છણાવટ કરી હતી. આ પ્રસંગે તેમણે વિકલાંગો પ્રત્યે આમ સમાજનો દ?ષ્ટિકોણ બદલવા વિદ્યાર્થીઓને આગળ આવવા આહવાન કર્યું હતું. શાળા કોલેજના આચાર્યો, સંચાલકો અને શિક્ષણવિદોને સંવેદના સોસાયટીની રચના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તરે તે માટે કામે લાગી જવા અપીલ કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને ક?ષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ ઉપાડેલ ઝુંબેશનાં કારણે ૨૦૦ થી પણ વધુ સંવેદના સોસાયટીમાં શાળા કોલેજમાં સ્થાપવામાં આવી છે,તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આવી સોસાયટી વિકલાંગોના શિક્ષણ, રોજગાર અને પુનઃસ્થાપનના કાર્યમાં મોટી ક્રાંતિ લાવશે. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતુ કે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ એમ દરેક વિભાગમાં ૧૦ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ ભાગલેનાર દરેક સ્પર્ધકને સંસ્થા તરફથી પ્રમાણપત્ર મળશે. આ પ્રસંગે આર્થિક ટેકો કરનાર લંડન સ્થિત મધુભાઈ કોટેચા અને ભાવનગર નાગરિક સહકારી બેંકનો આભાર માન્યો હતો. આ પ્રસંગે શાળાના પ્રજ્ઞાચક્ષુ કલાવૃંદ દ્વારા શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને પોતાની કલાકૃતિ દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાનાં માનદમંત્રી મહેશભાઈ પાઠક તેમજ પંકજભાઈ એન. ત્રિવેદી, કનુભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં કર્મવીરોએ ભારે જહેમત ઉઠાવી હતી.