રાજકોટના બે દર્દીઓનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે
ગાંધીનગર,તા.૪
ડરના માહોલ વચ્ચે આખરે ઓમિક્રોન વાયરસની ગુજરાતમા એન્ટ્રી થઈ છે. જામનગરમાં ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી પરત આવેલા નાગરિકના ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીનો રિપોર્ટ પુના ખાતે મોકલાયો હતો. ત્યારે હવે ગુજરાતમાં દહેશતનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે ગુજરાતમાં હવે સતર્કતા જરૂરી બની છે. જામનગરનો દર્દી હાઈરિસ્ક દેશમાંથી ગુજરાતમાં આવ્યો હતો. ત્યારે રાજકોટના બે દર્દીઓનો રિપોર્ટ પણ હજી પેન્ડિંગ છે. જે જોતા ગુજરાતમા ઓમિક્રોનના કેસમાં વધારો થાય તે જરૂરી બન્યુ છે. ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તકથી આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. ગુજરાતમાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં બેઠકનો દોર શરૂ થયો છે. ગાંધીનગરમાં તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગની બેઠક મળી છે. હવે આ ચર્ચા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમજ ગુજરાતમાં કયા કયા પગલા લઈ શકાય અને નિયંત્રણો લગાવવાના મામલે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે. આખરે ઓમિક્રોન વાયરસે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે. જીવલેણ વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રથમ કેસ વિશે જણાવ્યું કે, હાઈરિસ્ક દેશોમાઁથી આવેલા લોકોનું ટેસ્ટીંગ એરપોર્ટ પર ચાલુ જ છે. જામનગરનો શખ્સ એરપોર્ટ પર આવતા જ તેનુ સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલી અપાયો હતો. હાલ અમે એગ્રેસીવ ટેસ્ટીંગ કરવા સૂચના આપી દીધી છે. લોકોને અપીલ છે કે, કોરોનાની સાવચેતી પહેલાની જેમ જ રાખવી. માસ્ક પહેરીને નીકળવુ, સેનેટાઈઝર વાપરતા રહેવું. જો કોઈ નિષ્કાળજી દેખાય તો તાત્કાલિક પગલા લેવા. ગુજરાતમાં હાલ ટેસ્ટીંગ વધારાયુ છે. જામનગરમાં પણ તકેદારી લેવા સૂચના પહેલા જ આપી દેવાઈ હતી. જામનગરનો દર્દી ૨૮ નવેમ્બરે ઝિમ્બામ્બેથી આવ્યો હતો. તેનામાં પ્રાથમિક શરદી-ખાંસીના લક્ષણો દેખાયા હતા. જેના બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને જામનગરની સરકારી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રખાયો હતો. તેના સંપર્કમાં આવેલા તમામ ૪૦ લોકોના ટેસ્ટ કરાયા હતા, એ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. એટ રિસ્ક દેશોમાંથી આવતી અત્યાર સુધીની ૫૮ ફ્લાઈટ્સના આશરે ૧૬ હજાર પ્રવાસીઓના ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પૈકી ૧૮ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સંક્રમિતોના રિપોર્ટ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ અંગે માહિતી આપી છે. તો રાજસ્થાનમાં ૭ દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત પરેલા એક જ પરિવારના ૪ લોકો કોરોના પોઝિટિવ થયા છે. જેમાં પતિ-પત્ની સહિત તેમની બે પુત્રી સામેલ છે. તમામને ઓમિક્રોનના સંદિગ્ધ ગણાવી કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ચિંતાની વાત એ છે કે ૨૫ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો આ પરિવાર જયપુરમાં પોતાના ૧૨ સંબંધીઓને મળ્યો હતો, તેમાંથી ૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી એક ૧૬ વર્ષનો તરુણ પણ સામેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટથી મુંબઈ પરત આવેલા ૯ વિદેશી નાગરિકો સહિત ૧૦ લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસનો આંક વધીને ૨૮ થઈ ગયો છે. આ બધા લોકો ૧૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.