ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર તવાઈ બોલાવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો દુકાનદારોને કારણ દર્શક નોટિસ ફટકારી અન અધિકૃત બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું
ભાવનગર શહેરના ટોપ-3 સર્કલથી એરપોર્ટ તરફ જવાનાં રીંગરોડ પર ગેરકાયદેસર બનાવવામાં આવેલી 13 દુકાનો પર BMCએ બુલડોઝર ફેરવી દબાણો હટાવ્યાં હતા. ત્રણ આસામીઓએ પોતાની મિલ્કતમાં ગેરકાયદેસર 13 દુકાનોનું બાંધકામ કર્યુ હતું. જેથી ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા અનઅધિકૃત રીતે બનાવવામાં આવેલી દુકાનો ધ્વંસ્ત કરી હતી. ભાવનગર શહેરમાં દબાણ હટાવ સેલ દ્વારા ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર તવાઈ બોલાવી હતી. જેથી દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર શહેરના તળાજા રોડપર ટોપ-3 સર્કલથી એરપોર્ટ તરફ જવાના રીંગરોડ પર અમીધરા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા રઘુ રામજી ધાંધલ્યાએ પોતાની માલિકીના પ્લોટમાં 7 દુકાનો, પરેશ બારૈયાએ 2 દુકાનો તથા અનસૂયાબેન નામની મહિલાએ પોતાના પ્લોટમાં 4 દુકાનો પાક્કા બાંધકામ સાથે ચણી હતી. આ તમામ આસામીઓએ બીએમસીના ધારા ધોરણ કોરાણે મૂકી જીરો લેવલથી બાંધકામ કર્યું હોય જે સંદર્ભે બીએમસી એસ્ટેટ વિભાગ દ્વારા આ ત્રણેય આસામીઓને કારણ દર્શક નોટિસ ફટકારી હતી તેમજ અન અધિકૃત બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. ત્યારે ત્રણ પૈકી એક એવાં રઘુરામજીએ આ નોટિસને કોર્ટમાં પડકારી હતી. જોકે, કોર્ટે સમગ્ર મુદ્દાનો અભ્યાસ કરી હકીકત જાણી આ કેસ કાઢી નાંખ્યો હતો. જેથી આજરોજ બીએમસીના એસ્ટેટ વિભાગની ટીમ અમીધરા સોસાયટી ખાતે પહોંચી હતી. જ્યાં 13 દુકાનોના બાંધકામ તોડી પાડ્યું હતું. તંત્ર એ હાથ ધરેલી કામગીરીને પગલે દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.