ભાવનગરના અવાણિયા ગામમાં આઝાદી બાદ એક જ વખત ચોજાઈ છે ચૂંટણી, આ વખતે પણ ગ્રામપંચાયત સમરસ બની

163

સરપંચ તરીકે વાસુદેવસિંહ ગોહિલ અને ઉપસરપંચ તરીકે અજયસિંહ ગોહિલને નિયુક્ત કરાયા
ભાવનગર જિલ્લામાં 660 ગામોમાંથી 437 ગામોમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજાશે. ત્યારે અવાણીયા ગામ કે જ્યાં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એક વખત જ ચૂંટણી થઈ હતી. આ વખતે પણ પંચાયત સમરસ થઈ છે. જેથી ગામના નવા સરપંચ રાજદીપસિંહ ગોહિલ તથા ઉપસરપંચ અજયસિંહ ગોહિલને નિયુક્ત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 6 ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી થશે તેમજ 7 ડિસેમ્બરના રોજ ફોર્મ પાછા ખેંચી શકાશે. આ ઉપરાંત મંગળવાર રાત સુધીમાં કેટલા ગામમાં ચૂંટણી યોજાશે અને કેટલા ગામો બિન હરીફ થશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વચ્ચે જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામની વાત કરીએ તો અહીં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એકવાર ગ્રામપંચાયતની ચૂંટણી યોજાય છે. બાકીની તમામ ચૂંટણીઓમાં સમરસ જાહેર કરી ગામે પોતાની એકતા અને આપસી ભાઈચારાની ભવ્ય મિશાલ લોકો સમક્ષ ઉજાગર કરી છે. 3200 લોકોની વસ્તી ધરાવતું આ ગામ સમરસની ભાવનાને લઈ ભારે વિકસિત થયું છે. આ ગામમાં પાકી સડક, બ્લોક વાળા રોડ, લાઈટ અને ગટરની પૂરતી સુવિધા અને ગામમાં 90 ટકા પીવાના પાણીની સવલત પુરી પાડી છે. અવાણિયા ગામમાં 1825 પુરુષો અને 1375 મહિલા મતદારો છે. અવાણિયા કે જ્યાં પ્રાથમિક શાળાઓની સારી બિલ્ડીંગો, લાઈબ્રેરી, ગ્રામ પંચાયતનું પાક્કું બિલ્ડીંગ, આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે. ક્ષત્રિય સમાજની વસ્તી અહીં સૌથી વધારે છે, ત્યારબાદ કોળી સમાજ, દે.પૂ.સમાજ, જત પરિવારના લોકો અહીં વસવાટ કરે છે. અહીંના ગ્રામજનોની કુનેહ અને ભાઈચારાની ભાવનાથી અહીં ગ્રામપંચાયતની જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ગામનો એકરસ તેને સમરસ બનાવી દે છે. ગામમાં પ્રાથમિક સુવિધાનો સારો વિકાસ થયો છે. યુવાઓના દેશમાં હવે આ ગામના લોકોએ ગામનું સુકાન યુવાઓને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી આ વખતે યુવાઓની ટીમ ચૂંટણીમાં ઝંપલાવી વિકાસને વધુ વેગ આપશે. આ ચૂંટણીમાં પણ ગામના વડીલો અને યુવાઓ એક થઈ ફરી પંચાયતને સમરસ જાહેર કરી છે. અવાણીયા ગામના નવનિયુક્ત સરપંચ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે મહત્વનો પાણીનો પ્રશ્ન છે તે ત્વરિત હલ કરવો છે. અમુક વિસ્તારમાં લો પ્રેશરને કારણે પાણી પહોંચી શક્યું નથી, સરકારમાં પાણીની નવી લાઈન નાખવાની રજૂઆત આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો હલ કરવો છે, બાકી બીજા જે પણ ગ્રામજનો માટે વિકાસ કાર્ય કરવા પડશે તે કરીશું.

Previous articleભાવનગરમાં એસ્ટેટ વિભાગે ગેરકાયદેસર ખડકાયેલી 13 દુકાનો પર બુલડોઝર ફેરવી દબાણ હટાવ્યું
Next articleભાવનગરમાં આખલાના આંતકનો શોકિંગ વીડિયો, ઘરની બહાર નિકળતા જ આખલો આધેડને ખૂંદવા લાગ્યો