છેલ્લા ૧૦ દિવસમાં ૨૭ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું : આર.ટી.સર્કલ, કાળાનાળા, શિવાજી સર્કલ, મહિલા કોલેજ સર્કલ તથા રૂપમ ચોક ખાતે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં
ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈને આરોગ્ય તંત્ર અને લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. સરકારી તંત્ર દ્વારા કોરોના કેસ ઘટનાને લઇને તમામ પ્રકારની છૂટછાટ પણ આપી દેવામાં આવી હતી. ધીરે ધીરે વ્યાપાર-ધંધા, કોલેજ સહિતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. જેથી તંત્ર હરકતમાં આવ્યું છે અને પાંચ સ્થળોએ રેપીડ ટેસ્ટ શરૂ કર્યા છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ દિવસમાં ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હડકંપ મચ્યો છે. કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. જેમાં આર.ટી.સર્કલ, કાળાનાળા, શિવાજી સર્કલ, મહિલા કોલેજ સર્કલ તથા રૂપમ ચોક ખાતે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સર ટી હોસ્પિટલ ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા, ઓક્સિજન પ્લાન્ટમાં પૂરતો ઓક્સિજન તેમજ આરોગ્ય કર્મીઓ સહિતની તમામ સવલતો પૂરી પાડવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીને લઈને ફરીથી કેસોમાં વધારો ન થાય તેવા હેતુથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. તેમજ લોકોને માસ્ક પહેરવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.