કાંકરેજ તાલુકાના થરા ગામ ખાતેના જૈનમ શાહના ચકચારી હત્યા કેસમાં ડીસા કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂ. ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય ચાર દોષિત આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે, આરોપીઓના ચહેરા ઉપર સજાનો કોઇ ભાવ જોવા ન મળ્યો હતો. થરાના અગ્રણી ત્રિલોકચંદ શાહના ત્યાં ડ્રાયવીંગ માટે અવાર-નવાર આવતો મેહુલ જયંતીલાલ પ્રજાપતિએ જુગારની લતે ચઢી જતાં દેવું ઉતારવા પોતાના શેઠના જ પુત્ર જૈનમ શાહ (૧૩ વર્ષ)નું માર્ચ ૨૦૧૪ ના વર્ષમાં અપહરણ કરીને રૂ. ૫૦ લાખની ખંડણી માંગી હતી અને ત્યારબાદ અપહૃત જૈનમ ડ્રાઇવરને ઓળખી જતા આરોપીએ પકડાઇ જવાના ભયથી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી અને હત્યા કરી લાશના ટુકડા કરીને લાશને કોથળામાં ભરી નહેરમાં ફેંકી દીધી હતી. જેમાં પ્રથમ મોબાઇલ લોકેશનના આધારે પોલીસે મુખ્ય આરોપી મેહુલ પ્રજાપતિ અને મલાભાઇ રબારીની ધરપકડ કરી હતી. દરમિયાન પુછપરછમાં અન્ય ચાર શખસો પણ જૈનમના અપહરણના કાવતરામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે થરામાં રહેતા વધુ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. આ તમામ સામે ડીસા કોર્ટમાં હત્યાનો કેસ ટ્રાયલ પર આવ્યો હતો. જેમા ડીસા સેશન્સ જજ ડી.બી.બારોટે શનિવારે હત્યા કરનાર મુખ્ય આરોપી મેહુલ પ્રજાપતિ અને મલાભાઇ રબારીને આજીવન કેદ જ્યારે મદદકરતા અન્ય ચારને સાત વર્ષની કેદ ફટકારી હતી. તેમ છતાં આ આરોપીઓના ચહેરા ઉપર સજાનો કોઇ ભાવ જોવા ન મળતાં કોર્ટ સંકુલમાં પણ ચર્ચા જાગી હતી. જૈનમ શાહ હત્યા કેસમાં છ આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. કોર્ટની આગળજ આરોપીઓના પરિવાર બેઠા હતા આરોપીઓને સજા સંભળાવવામાં આવતા આરોપીઓનો પરિવાર રડી પડ્યો હતો. કાંકરેજના ધારાસભ્ય સ્વર્ગસ્થ શાંતિલાલ શાહના પુત્ર ત્રિલોકચંદ શાહએ જૈનમ શાહને દત્તક લીધેલ હતો. જ્યારે તેની હત્યા થતાં તમામ પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જૈનમ શાહના અપહરણ અને મર્ડર કેસમાં ડીસા સેશન્સ કોર્ટે અંદાજિત ૫૩ જેટલા લોકોની જુબાની લેવામાં આવી હતી.