ગત સપ્તાહે ડીસા પાંજરાપોળમાં સર્જાયેલી કટોકટી મામલે સરકારે હજુ ભલે આંશિક રીતે મામલો થાળે પાડયો હોય પરંતુ તેના ઉપર હજુ સંપૂર્ણ રીતે પૂર્ણવિરામ મૂકાયું નથી. હવે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ગૌચરની નીતિ જાહેર નહીં કરવામાં આવે તો ૧૫ દિવસ બાદ ગાંધીનગરમાં વિશાળ રેલી સાથે હલ્લાબોલ કરવામાં આવશે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓ.એસ.એસ. એકતા મંચ દ્વારા સરકાર સમક્ષ ગૌચર મામલે વિવિધ માગણી રજૂ કરવામાં આવી છે અને તેના તાકીદે નિવારણ માટે ચીમકી આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ’ભાજપ સરકારને માત્ર મત માગતી વખતે ગાય યાદ આવે છે. ગૌ શાળામાં ગાયને પૂરતો ઘાસચારો આપવાની વાત આવે ત્યારે સરકાર હાથ ઊંચા કરી દે છે. ભાજપની આવી નીતિથી અબોલ ગાયને કિંમત ચૂકવવી પડે છે. ભાજપની આ નીતિ સામે અમે ગૌચર પરત અભિયાન શરૃ કરવાના છીએ. અમારી માગણી છે કે રાજ્ય સરકાર દ્વારા ગૌચર નીતિ જાહેર કરવામાં આવે. ૨૭૫૪ ગામમાં ગૌચર જ નથી તેનો જવાબ અમે રાજ્ય સરકાર પાસેથી માગીએ છીએ. ૬૨૯માંથી ૫૦૦ પાંજરાપોળ દેવાદાર છે. અમારા અભિયાનના ભાગરૃપે કોંગ્રેસ ઠાકોર સેના અને એકતા મંચના કાર્યકર્તાઓ દ્વારા ગૌચર પરત અભિયાન ચલાવાશે અને તેના ભાગરૃપે ગામે ગામ જ્યાં પણ ગૌચર હડપ કરવામાં આવેલી છે ત્યાં તેની ફરિયાદ મહેસૂલ વિભાગને કરવામાં આવશે. અમારી એવી પણ માગણી છે કે રાજ્ય કક્ષાએ કોઇ પણ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ભ્રષ્ટાચારી નેતાના સંબંધીને ગૌચર અપાશે નહીં તેવું જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવે. અમારી એવી પણ માગણી છે કે જિલ્લાવાર પાંજરાપોળમાં ગૌવંશ દીઠ રોજના ૧૫ કિગ્રા ઘાસચારો આપવામાં આવવો જોઇએ. ગાયના નામે જે રીતે ૧૪૪ની કલમ લગાવાઇ તે દુઃખદ છે. ૧૩ મે ના તમામ જિલ્લા મથકોએ ગાય માતાને ગંગાજળથી સ્નાન કરાવાશે અને તેની પૂજા કરવાનું આયોજન છે. ઘાસચારાના અભાવે શહેરમાં ગૌવંશ પ્લાસ્ટિક ખાવા મજબૂર બની છે. તેમને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો પૂરો પાડવો જોઇએ.
Home Gujarat Gandhinagar ગૌચર નીતિ જાહેર નહીં કરાય તો ગાંધીનગરમાં હલ્લાબોલ કરાશે : અલ્પેશ ઠાકોરનું...