સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને ૨૯ દિ’માં ફાંસીની સજા

318

ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો : કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂરી કરી, ૪૨ સાક્ષી તપાસાયા
સુરત,તા.૭
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ૮ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ૭ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે (મંગળવારે) કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિનાની અંદર એટલે કે ૨૯ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી હોય એવો ગુજરાતના ઈતિહાસનો પહેલો ચુકાદો છે. પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં ૩૮ વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજ (મંગળવાર)ના રોજ સુધી મુલત્વી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે. આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ ૩૧ એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’બોલી ઉઠયા હતા.આરોપી ગુડ્ડુ યાદવને સોમવારે કોર્ટમાં લવાયો હતો . આ દરમિયાન આરોપી ગુડ્ડુ કોર્ટની અંદર અને બહારની કસ્ટડીમાં હતો ત્યારે ગુનાના લીધે તે પસ્તાતો હોય એવુ એના ચહેરા પર જરાય લાગતો નહતો.જ્યારે સજા સાંભળ્યા બાદ આરોપીની આંખ છલકાઈ હતી. દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિ એવો ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરમાં ળઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસ ગીરફતમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રૂજ કરી દીધી હતી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પુરી કરી હતી. કુલ ૬૯ સાક્ષી પૈકી સરકાર પક્ષે ૪૨ સાક્ષી જ ચકાસ્યા હતા. સરકાર પક્ષની દલીલ હતી કે સજા ગેરબંધારણીય નથી. આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની કેટેગરીમાં આવે છે. જેથી તેને ફાંસીની જ સજા કરવી જોઇએ. ફાંસીની સજાની દલીલ અગાઉ સરકાર પક્ષે ફાંસીની સજાનો પૂર્વ ઇતિહાસ બતાવ્યો. અમેરિકામાં થોડા સમય માટે ફાંસીની સજા દુર કરાઈ,બાદમાં ગુના વધ્યા અને ફરી ફાંસીની સજા આવી. જો ગુનો ગંભીર હોય અને રેરેસ્ટ ઓફ રેર હોય તો ફાંસી આપવી જોઇએ. રેરેસ્ટ ઓફ રેર કોને કહેવાય, એ પણ જાણવા જેવુ છે. ગુનામાં કોઇ અસામાન્ય બાબત છે. અને જો અસામાન્ય સંજોગ હોય તો આજીવન કેદની સજા કેમ ઓછી પડે એ જોવું જોઇએ. ઉગ્ર થતાં અને શાંત થતાં સંજોગો તેમાં ધ્યાને લેવાય છે. ઉગ્ર સંજોગો જેમાં પ્રોસિક્યુશન તરફે જે દલીલો હોય, અને શાંત થતા સંજોગો જેમાં હાલનો આરોપી કહે છે કે મારા બે સંતાનો છે. બધું જોયા બાદ એમ લાગે કે ફાંસી જરૂરી છે. તો ફાંસી કરવી જોઇએ. આ કેસમાં પોક્સો વગેરે સહિતની કલમો છે. જે બતાવે છે કે સોસાયટીને જરૂર છે કે આવા આરોપીઓને કડક સજા મળે. બાળકીનો પરિવાર આરોપીને આંગળી પણ અડાવી શકતો નથી કેમકે તે કાયદામાં માને છે, પરંતુ કલમ આરોપીને ફાંસીની સજા અપાવી શકે છે. પોલીસે ૨૪૬ પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઓમિક્રૉનના જોખમ વચ્ચે ઘટ્યા કોરોના કેસ, ૨૪ કલાકમાં ૬૮૨૨ નવા કેસ અને ૧૦ હજારથી વધુ રિકવર