ઓમિક્રૉનના જોખમ વચ્ચે ઘટ્યા કોરોના કેસ, ૨૪ કલાકમાં ૬૮૨૨ નવા કેસ અને ૧૦ હજારથી વધુ રિકવર

83

નવીદિલ્હી,તા.૭
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ રોજ વધી-ઘટી રહ્યા છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૬૮૨૨ નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, ૧૦,૦૦૪ રિકવરી થઈ. સાથે જ કાલના દિવસે ૨૨૦ લોકોના જીવ ગયા. નવા કેસ જોઈએ તો તે હાલમાં ૬ હજારના ગ્રાફથી ઉપર છે. જેમાં સૌથી વધુ દર્દીઓ કેરળમાંથી મળી રહ્યા છે. વળી, આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ ૨ વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ એકલા કેરળ રાજ્યમાંથી કોરોનાના ૨૭૨૪ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૬૮ મોત પણ થયા. દેશમાં રાહતની વાત એ છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા ૧ લાખથી ઓછી છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં ૯૫,૦૧૪ છે કે જે ૫૫૪ દિવસમાં સૌથી ઓછા છે. અમુક દિવસ પહેલા આ ૧ લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે ૯૮.૩૬ ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો ૩.૪૧ કરોડ થઈ ગયો છે. જેમાંથી ૩૪૦૭૯૬૧૨ દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી ૧,૨૮,૭૬,૧૦,૫૯૦ ડોઝ મળી ચૂક્યો છે. જેમાથી કાલના દિવસે ૭૯,૩૯,૦૩૮ ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી કોરોનાથી રિકવર થયેલા લોકોનો આંકડો વધીને ૩૪૦૭૯૬૧૨ સુધી પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસે ૧૦૦૦૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૯ કેસ સામે આવ્યા છે. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી લગભગ ૫૦૮ લોકોના મૃત્યુ નોંધવામાં આવ્યા. વળી, કુલ સક્રિય કેસ ૩૧૨૦ છે.

Previous articleસુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને ૨૯ દિ’માં ફાંસીની સજા
Next articleરાહુલે મોદીના માફી શબ્દનો ત્રણ વાર ઉપયોગ કર્યો