સરકાર પંજાબ મોડેલની જેમ જ મૃત ખેડૂતોના પરિવારને પાંચ લાખનુ વળતર આપવા માગ પણ માગ કરાઈ
નવી દિલ્હી, તા.૮
મહત્વના વળાંક પર આવીને ઉભેલા ખેડૂત આંદોલનની વચ્ચે ખેડૂત નેતાઓ તેમજ કેન્દ્ર સરકાર સાથે વાતચીત ચાલુ છે. દરમિયાન સંયુક્ત કિસાન મોરચાની પાંચ સભ્યોની કમિટીએ કેન્દ્રને નવો પ્રસ્તાવ મોકલ્યો છે.જેમાં ખેડૂતો સામે જેટલા પણ કેસ નોંધાયા છે તે તમામ પાછા ખેંચવાની માગ કરવામાં આવી છે. સૂત્રોનુ કહેવામાં આવે તો સરકાર પણ કેસ પાછા ખેંચવા માટે તૈયાર થઈ ગઈ છે.જોકે રાકેશ ટિકૈતે સ્પષ્ટપણે કહ્યુ છે કે, સરકાર કેસ પાછા ખેંચશે ત્યારે જ આંદોલન ખતમ કરવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકારે મંગળવારે ખેડૂતોને પાંચ મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં સરકારે કહ્યુ હતુ કે, સરકાર કેસ પાછા ખેંચવા તૈયાર છે પણ આ માટે ખેડૂતોએ પહેલા આંદોલન પાછુ ખેંચવુ પડશે.જ્યારે હવે ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે, પહેલા કેસ પાછા ખેંચવામાં આવે અને એ પછી જ આંદોલન ખતમ કરવામાં આવશે. સરકારે એમએસપી માટે કમિટિ બનાવવાનો પ્રસ્તાવ મુકયો છે. સાથે સાથે હરિયાણા અને યુપી સરકારે મૃત ખેડૂતોનાપરિવારનો વળતર આપવા માટે પણ કહ્યુ છે.જ્યારે પરાળી સળગાવવા માટે ખેડૂતો પર ગુનો નહીં નોંધાય તેવુ પણ સરકાર કહી ચુકી છે. ખેડૂતો જોકે કહી રહ્યા છે કે, કેસ પાછા ખેંચવા માટે સરકાર સમય મર્યાદા જાહેર કરે તેમજ સરકાર પંજાબ મોડેલની જેમ જ મૃત ખેડૂતોના પરિવારને પાંચ લાખનુ વળતર અને દરેકના પરિવારના એક સભ્યને નોકરી આપવા માટે લેખિતમાં ખાતરી આપે.