સુરતમાં કાપોદ્રા વિસ્તારમાંથી આરોપી રઘુરામ ગોંડલીયા ઝડપાયો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં અમરેલીના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાત અંગેનો ગુનો નોંધાયો હતો. આ કેસ દાખલ થયા બાદ આરોપી વોન્ટેડ હોય જેને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી ગારીયાધાર પોલીસના હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, મૂળ અમરેલીમાં જેસિંગપરા વિસ્તારનો રહિશ અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં રહેતા સતિષ 34 વર્ષીય રઘુરામ ગોંડલીયા વિરુદ્ધ આજથી બે વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી-વિશ્વાસઘાત અંગે ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસ નોંધાયા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થવાના બદલે સતત નાસતો ફરતો હોય અને પોતાના રહેઠાણના સ્થળો બદલી પોલીસને ચકમો આપતો હતો. આ ચિટર અંગે લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એક.હિરાના કારખાનામાં આ શખ્સ હિરા ઘસવાની મજૂરી કરે છે. જે હકીકત મળતા એલસીબીએ ખરાઈ કરી કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પાસેથી વોન્ટેડ ચિટર સતિષ રઘુરામ ગોંડલીયાને ઝડપી ગારીયાધાર પોલીસને હવાલે કરી અનડીટેક્ટ કેસ સોલ્વ કર્યો હતો.