પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી

94

પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૧૫માં શરૂ થઈ હતી, નાગરિકોને ઘરનું સમારકામ અને મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે
નવી દિલ્હી,તા.૯
કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જે અંતર્ગત તેને માર્ચ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યું છે. બેઠક બાદ પત્રકારોને આ માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં તમામ માટે આવાસ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૬માં ગ્રામીણ વિસ્તારોમાં તમામ માટે આવાસ અંગે, એવો અંદાજ હતો કે ૨.૯૫ કરોડ લોકોને પાકાં મકાનોની જરૂર પડશે. જેમાં મોટી સંખ્યામાં પરિવારોને આવાસ આપવામાં આવ્યા છે. ઠાકુરે કહ્યું કે આ યોજનાને ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી બાકીના પરિવારોને પણ આવાસ મળી શકે. સરકારી નિવેદન મુજબ, આ યોજના હેઠળ બાકીના ૧.૫૫ કરોડ મકાનોના નિર્માણ માટે નાણાકીય અસર રૂ. ૨.૧૭ કરોડ થશે, જેમાં કેન્દ્રનો હિસ્સો રૂ. ૧.૨૫ લાખ કરોડ અને રાજ્યનો હિસ્સો રૂ. ૭૩,૪૭૫ કરોડ રહેશે. આ અંતર્ગત નાબાર્ડને વધારાના વ્યાજની ચુકવણી માટે રૂ. ૧૮,૬૭૬ કરોડની વધારાની જરૂર પડશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) વર્ષ ૨૦૧૫માં પીએમ મોદીએ શરૂ કરી હતી. ગ્રામીણ આવાસ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઘરનું સમારકામ અને મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ નરેન્દ્ર મોદી દ્વારા તેમના છેલ્લા કાર્યકાળમાં શરૂ કરવામાં આવી હતી. આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જે અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ પરિવારોને પાકાં મકાનો આપવાનું લક્ષ્ય છે. આ યોજના હેઠળ, સરકાર વીજળી પુરવઠો અને સ્વચ્છતા જેવી તમામ પાયાની સુવિધાઓ ધરાવતા પાકાં મકાનોના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા બે મિનીટનું મૌન પાળી ભારતના વીર યોદ્ધા CDS જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ અર્પી
Next articleબિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જીવતા હતા