ભાવનગરના યુવા લેખક દિવ્યકાંત પંડ્યા હવે ફિલ્મમાં સહલેખકની ભૂમિકામાં

232

૧૭ ડિસેમ્બરે રિલીઝ થશે જાણીતા ડિરેક્ટર જયંત ગિલાટરની ફિલ્મ ‘હલકી ફુલકી’
દિવ્યકાંત પંડ્યા જે ફિલ્મમાં સ્ક્રીનપ્લે કો-રાઈટર છે તેવી એક ફિલ્મ આવી રહી છે, ‘હલકી ફુલકી’. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની ને હાલ મુંબઈ રહેતા લેખક દિવ્યકાંત પંડ્યાએ સૌરાષ્ટ્રને ગર્વ થાય તેવું કામ કર્યું છે. મનોરંજન સાથે સામાજિક સંદેશ હોય, સ્ત્રીઓના સશક્તિકરણની વાત હોય અને પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ્સ ઓછી બનતી હોય છે.
સ્ક્રીનપ્લે લેખક તરીકે પહેલી ફિલ્મનો અનુભવ અને દર્શકોને એ શા માટે જોવી જોઈએ તેની વાત કરતા દિવ્યકાંત પંડ્યા કહે છે, ‘આ ફિલ્મ અમે કોરોના સમયમાં રાજકોટ અને જામનગરના સુંદર લોકેશન્સ પર ખૂબ જ સાવધાનીપૂર્વક શૂટ કરી છે. આપણે સૌ હજુ પણ મહામારી વચ્ચે જ જીવી રહ્યા છીએ ત્યારે અમારી આ ફિલ્મ સૌની ચિંતાને હળવી કરવા માટેનું એક માધ્યમ બનશે. ફિલ્મ થકી સ્ત્રીઓની ઝિંદાદિલી લોકો સુધી પહોંચે અને તેઓ હાસ્ય સાથે દરેક પ્રકારની લાગણીઓ પરિવાર સાથે જોઈને અનુભવે. આ ફિલ્મ ડિરેક્ટ કરી છે ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’, શબાના આઝમી-જુહી ચાવલા સ્ટારર હિન્દી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’, ડેઈઝી શાહ અને ‘સ્કેમ ૧૯૯૨’થી જાણીતા પ્રતીક ગાંધી અભિનીત પહેલી ગુજરાતી સ્પોર્ટ્‌સ ફિલ્મ ‘ગુજરાત ૧૧’ જેવી ફિલ્મ્સના દિગ્દર્શક જયંત ગિલાટરે. ફિલ્મના સ્ક્રીનપ્લે લખ્યો છે જાણીતા પત્રકાર અને લેખક આશુ પટેલ, જયંત ગિલાટર અને દિવ્યકાંત પંડ્યાએ મળીને. ફિલ્મના સંવાદો લખ્યા છે જાણીતા લેખિકા ગીતા માણેકે. આ સંદર્ભે દિવ્યકાંત પંડ્યા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘હા, ફિલ્મ નામ જેવી જ હલકી ફુલકી અને મીઠડી છે. આ ફિલ્મની સ્ત્રીઓ ફક્ત લાઈફને જીવી નાખવા નથી માંગતી, તેમને લાઈફ મજાથી અને એકબીજાના સહકારથી અર્થપૂર્ણ રીતે જીવવી છે. સામાજિક સંજોગો સામે લડીને તેઓ મળતી રહે છે અને એકબીજાના વ્યવહારિક અને અંગત જીવનમાં મદદરૂપ પણ થાય છે. આ ફિલ્મ તેમની ધમાલમસ્તી દ્વારા જેટલું હસાવશે તેટલું જ રડાવશે પણ ખરી. અમારી ફિલ્મ લાગણીસભર છે.ફિલ્મનું ટીઝર સ્ટાર ઇન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર લોન્ચ કર્યું હતું અને તેના વ્યૂઝ ૨૪ કલાકની અંદર ૧ મિલિયનને પાર કરી ગયા હતા જે ગુજરાતી ફિલ્મ માટે નવી ઘટના છે. ફિલ્મના ગીતો, ટ્રેલર અને ટીઝર યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર લોકોને ઘણા પસંદ પડી રહ્યાં છે. ફિલ્મના એક ગીત ‘ચાય ગરમ’ પરથી કેટલાય લોકોએ શિયાળાની ઠંડીમાં ચા ઉપરના ગીતની મજા માણતા પોતાના ફોટોઝ અને વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ પર મૂકીને ગીત પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવ્યો હતો. દિવ્યકાંત પંડ્યા સાથે વધુ વાતચીત કરવા જાણવા મળ્યું કે તેઓ આ પહેલા ‘ઓરિએન્ટલ બોટનિક્સ’, ‘માર્ક એન્થની’, ‘ધૂમ અલ્ટ્રા મેટિક’ વગેરે બ્રાન્ડ્‌ઝ માટે ટીવી અને ડિજિટલ એડ ફિલ્મ્સ લખી ચૂક્યા છે. થોડા મહિનાઓ અગાઉ જ તેમણે લખેલી ‘ધૂમ અલ્ટ્રા મેટિક’ની રવીના ટંડન અભિનીત એડ ટીવી પર પ્રસારિત થઈ હતી. તેમણે ‘કોકટેલ ઝિંદગી’ મેગેઝીનમાં પણ પત્રકાર તરીકે કામ કર્યું છે. હાલ તેઓ એશિયાના સૌથી જૂના અને પ્રખ્યાત ન્યુઝપેપર ‘મુંબઈ સમાચાર’માં કોલમિસ્ટ તરીકે પણ સક્રિય છે.
ફિલ્મ સ્ટારકાસ્ટથી ભરચક છે. ’તારક મહેતા કા ઊલટા ચશ્મા’ શોમાં અંજલિભાભીના પાત્રથી જાણીતા નેહા મહેતા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે ’મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મના જાણીતા અભિનેત્રી આનંદી ત્રિપાઠી ગુજરાતી ફિલ્મમાં ’હલકી ફુલકી’થી કમબેક કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલા જયકા યાજ્ઞિક, રચના પકાઈ, દિશા સાવલા ઉપાધ્યાય, માનસી જોશી, પૂર્વી દેસાઈ, ભાવિની ગાંધી, સાત્વી ચોકસી અને આંચલ શાહ પણ છે.
આ ફિલ્મના નિર્માતા છે રાજકોટના યુવાન પ્રોડ્યુસર શત્રુઘ્નસિંહ સોલંકી. ફિલ્મ ‘હલકી ફુલકી’ ૧૭ ડિસેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે!

Previous articleભાવનગર જિલ્લાના ઝાંપે તંત્રનો પહેરો !
Next articleઘોઘાનું કણકોટ ગામ આઝાદી કાળથી ઝંખે છે વિકાસ