મુંબઈમાં૧૧-૧૨ ડિસેમ્બરે ૧૪૪મી કલમ લાદવા નિર્ણય

103

મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ : મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૭ કેસની પુષ્ટિ
મુંબઈ, તા.૧૧
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૨ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ૧૧ અને ૧૨ ડિસેમ્બરે સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૭ કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈ પોલીસે શુક્રવારે કમિશનરેટ વિસ્તારમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરીને આગામી બે દિવસ માટે રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે આ આદેશ શનિવાર અને રવિવારે ૪૮ કલાક માટે અમલમાં રહેશે.તેમણે કહ્યું કે, ’કોવિડ-૧૯ના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે માનવ જીવનને જોખમ હોવાથી અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં ચાલી રહેલી હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.’ તેમણે આદેશમાં જણાવ્યું કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે. બીજી તરફ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, તબીબી દૃષ્ટિકોણથી ઓમિક્રોન હજુ સુધી હેલ્થ સિસ્ટમ પર બોઝ નથી બનાવી રહ્યું, પરંતુ તકેદારી જાળવવી પડશે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ’અત્યાર સુધી મુખ્યત્વે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચિંતા વ્યક્ત કરી છે કે વૈશ્વિક સ્તરે રસીકરણના વધતા દર સાથે જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંનું પાલન ઓછું કરવામાં આવી રહ્યું છે. યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-૧૯ રસીની ત્રીજી બૂસ્ટર ડોઝ કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપને કારણે થતા ચેપના કેસમાં ૭૦થી ૭૫ ટકા રક્ષણ પૂરું પાડે છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (યુકેએચએસએ) એ શુક્રવારે આ વાત કહી હતી.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૭૯૯૨ કેસ નોંધાયા
Next articleપિનાકના નવા વર્ઝનનુ પોખરણ રેન્જમાં થયેલું સફળ પરિક્ષણ