કેન્દ્ર સરકારે તમામ માગ સ્વિકારતા આંદોલન સમેટાયું : ટિકૈત હજી બીજા ચાર દિવસ બોર્ડર પર રહેશે અને પંદર ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડીને મુઝ્ઝફરનગર જશે
નવી દિલ્હી, તા.૧૧
ખેડૂત આંદોલન ખતમ થયા બાદ આજથી ખેડૂતોની દિલ્હી બોર્ડર પરથી ઘરવાપસી શરુ થઈ ગઈ છે. પહેલી ટુકડીને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.ખેડૂતોની ટુકડીઓ ટ્રેકટરોમાં રવાના થઈ રહી છે અને ટિકૈત હજી જોકે બોર્ડર પર જ છે. ટિકૈતને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે, હજી બીજા ચાર દિવસ હું બોર્ડર પર રહેવાનો છું અને પંદર ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડીને મુઝ્ઝફરનગર જવા રવાના થઈશ. ખેડૂતોનુ પહેલી ટુકડી સવારે સાડા આઠ વાગ્યે રવાના થઈ હતી અને તે પછી હવે એક પછી એક ટ્રેક્ટરમાં પોતાનો સામાન ભરીને ખેડૂતો બોર્ડર છોડતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ પણ એમએસપીને લઈને ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યુ હતુ .જોકે સરકારે લેખિતમાં ખેડૂતોની એમએસપી સહિતની પાંચ માંગણીઓ માની લીધી હોવાથી ખેડૂતોએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી હતી. સરકારે ખેડૂતોને પત્ર લખીને તેમાં કહ્યુ છે કે, એમએસપી પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે. ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પત્રમાં સરકારે કહ્યુ છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે.સબંધિત રાજ્ય સરકારોએ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવા માટે પણ સંમતિ આપી દીધી છે. સરકારે પત્રમાં આગળ કહ્યુ હતુ કે, સંસદમાં રજૂ થનારા વીજ બિલમાં ખેડૂતો પર અસર કરે તેવી જોગવાઈઓ પર પહેલા ખેડૂતો સાથે અને બીજા સબંધિત પક્ષો સાથે ચર્ચા થશે અને એ પછી જ બિલ સંસદમાં રજૂ કરાશે. સરકારે પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, પરાળી સળગાવવાના મામલામાં ખેડૂતો સામે કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે.આમ ખેડૂતોની જે પાંચ માંગણીઓ છે તેનુ સમાધાન કરવામાંઆવ્યુ છે ત્યારે હવે આ આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.સરકાર ખેડૂતોને અનુરોધ કરે છે કે, આંદોલન પુરુ કરવામાં આવે.